સત્યઘટના…

લગભગ 20 વર્ષ પહેલા હિમાચલ પ્રદેશના એક ગામમાંથી એક પત્ર રક્ષા મંત્રાલયમાં પહોંચ્યો હતો. પત્રના લેખક શાળાના શિક્ષક હતા અને તેમની વિનંતી નીચે મુજબ હતી.

તેમણે લખ્યું હતું કે, “શું એ શક્ય બની શકે કે મને અને મારી પત્નીને મારા પુત્રનાં મૃત્યુની પ્રથમ પૂણ્યતિથિ ૭મી જુલાઈ એ તે સ્થળ જોવાની પરવાનગી આપી શકાય?.. જ્યાં કારગિલ યુદ્ધમાં અમારો એકમાત્ર પરાક્રમી પુત્ર ૭ મી જુલાઈ, ૨૦૦૦ ના રોજ મૃત્યુ પામ્યો હતો?
જો તે રાષ્ટ્રીય સુરક્ષાની વિરુદ્ધ હોય અને જો તમે એ ન કરી શકો તો ઠીક છે તો તે કિસ્સામાં હું મારી અરજી પાછી ખેંચી લઈશ.”
પત્ર વાંચતા વિભાગના એક અધિકારીએ કહ્યું, જો વિભાગ માત્ર ખર્ચ થાય એ હેતુથી પરવાનગી આપવા ઇચ્છુક નહીં હોય તો હું મારા પગારમાંથી તે ચૂકવીશ અને હું પોતે એ શિક્ષક અને તેમની પત્નીને તે સ્થાન પર લઈ જઈશ જ્યાં. તેમનો એકમાત્ર દીકરો શહીદ થયો હતો”

જોકે વિભાગે સમયસર જ પરવાનગી આપતો આદેશ જારી કરી દીધો હતો.

મૃત શહીદના સ્મૃતિ દિવસે, વૃદ્ધ દંપતીને યોગ્ય આદર સાથે રિજ પર લાવવામાં આવ્યા હતા.
જ્યાં તેમના પુત્રનું મૃત્યુ થયું તે સ્થળે તેમને લઈ જવામાં આવ્યા ત્યારે ફરજ પરના દરેક વ્યક્તિએ ટટ્ટાર ઊભા રહીને સલામી આપી હતી. પરંતુ એક સૈનિકે તેમને ફૂલોનો ગુચ્છો આપ્યો, નમીને તેમના પગને સ્પર્શ કર્યો અને તેની આંખો લૂછી અને સલામ કરી.

શિક્ષકે કહ્યું, “તમે અધિકારી છો. તમે મારા પગને કેમ સ્પર્શ કરો છો ? “

સૈનિકે કહ્યું, “સર! અહીં એક માત્ર હું જ છું , જે તમારા પુત્ર સાથે હતો અને જેણે યુદ્ધમાં તમારા પુત્રની વીરતા જોઈ હતી.”

“પાકિસ્તાનીઓ તેમના એચ.એમ.જી. વડે પ્રતિ મિનિટ સેંકડો ગોળીઓ વરસાવી રહ્યા હતા. અમે પાંચ જવાનો ત્રીસ ફૂટના અંતરે આગળ વધ્યા અને અમે એક ખડકની પાછળ છુપાઈ ગયા.

મેં કહ્યું, ‘સર, હું ‘ડેથ ચાર્જ’ માટે જાઉં છું. હું તેમની બુલેટ લઈને તેમના બંકર તરફ દોડી જઈશ અને ગ્રેનેડ ફેંકીશ. તે પછી તમે બધા તેમના બંકરને કબજે કરી શકો છો.“

હું તેમના બંકર તરફ ભાગવા જતો હતો પણ તમારા પુત્રએ કહ્યું, “શું તમે પાગલ છો? તમારી પત્ની અને બાળકો છે. હું હજુ અપરિણીત છું, હું જઈશ. આઈ ડુ ધ ડેથ ચાર્જ… એન્ડ યુ ડુ ધ કવરિંગ.’

અને બિલકુલ ખચકાટ વગર, તેમણે મારી પાસેથી ગ્રેનેડ છીનવી લીધો અને તેઓ ડેથ ચાર્જમાં દોડીને આગળ વધી ગયા.
પાકિસ્તાની એચએમજી તરફથી ગોળીઓ વરસાદની જેમ પડી રહી હતી. તમારા પુત્રએ તેમને ચકમો આપી, પાકિસ્તાની બંકર પર પહોંચી, ગ્રેનેડમાંથી પિન કાઢીને ગ્રેનેડ સીધો જ બંકરમાં ફેંકી દીધો, અને તેર પાકિસ્તાનીઓને મોતને ઘાટ ઉતારી દીધા.

તેમનો હુમલો સમાપ્ત થયો અને એ વિસ્તાર અમારા નિયંત્રણમાં આવ્યો. મેં તમારા પુત્રનું શરીર ઉપાડ્યું, સર!

તેમને બેતાલીસ ગોળીઓ વાગી હતી! મેં તેમનું માથું મારા હાથમાં ઊંચક્યું અને છેલ્લા શ્વાસ સાથે તેમણે કહ્યું હતું,
“જય હિંદ!”

અમે ઉપરી અધિકારીને એની તાબૂત તમારા ગામમાં લાવવાની પરવાનગી આપવા કહ્યું પરંતુ પરવાનગી મળી નહોતી.
સર, તે દિવસે મને ફૂલો એમના ચરણોમાં મૂકવાનો લહાવો મળ્યો નહોતો..પણ આજે મને ફૂલો આપના ચરણો પર મૂકવાનો વિશેષાધિકાર મળ્યો છે!

શિક્ષકની પત્ની તેના પલ્લુના ખૂણામાં હળવેથી રડી રહી હતી પરંતુ શિક્ષક રડ્યા નહીં.

શિક્ષકે કહ્યું, “મેં મારા પુત્ર માટે રજા પર આવે ત્યારે પહેરવા માટે શર્ટ ખરીદ્યું હતું પરંતુ તે ક્યારેય ઘરે આવ્યો જ નહી અને હવે તે ક્યારેય આવશે પણ નહીં. તેથી હું તેને જ્યાં તે મૃત્યુ પામ્યો ત્યાં આ શર્ટ મૂકવા માટે લાવ્યો હતો પણ હવે તું તેને પહેરીશને બેટા?”
કારગીલના એ હીરોનું નામ હતું

કેપ્ટન વિક્રમ બત્રા
તેમના પિતાનું નામ ગિરધારી લાલ બત્રા.
તેમની માતાનું નામ કમલ કાંતા છે.

માય ડિયર ફ્રેન્ડ્સ, આ આપણા અસલી હીરો છે .
જયહિંદ

ગુલાબનું ફૂલ

“Happy Velentine Day”
લગભગ સાઠ વર્ષનાં દાદા તેની બાજુમાં બેઠેલી તેની ‘Mrs’ ને ગુલાબનું ફૂલ આપતાં બોલ્યાં.

હું પણ ત્યાં જ સામેના બાકડાં પર બેસીને મારું પુસ્તક વાંચી રહ્યો હતો. મેં જરા ઊંચા થઈ ને આ દ્રશ્ય જોયું. ગાર્ડનમાં બહુ ઓછાં લોકો હવે આવે છે.

” Happy Velentine Day” સામે છેડેથી પેલી વૃદ્ધા પ્રતિસાદ આપતાં પ્રેમાળ પણ ધીમા સ્વરમાં બોલ્યાં.

ત્યાં બીજા પણ 3-4 છોકરાઓ એટ્લે કે ‘ટપોરી’ બેઠા હતાં તેઓ પણ આ બધું નિહાળી રહ્યા હતા.
તેમાંનો એક બોલ્યો,” ઓય! આ દાદા તો જો હજુ જવાની ગઈ નથી લાગતી, હજુ એકાદ-બે છોકરાંનું પ્લાનિંગ લાગે છે.”
આ સાંભળીને બાકીના જોર જોર થી હસવા લાગ્યા.
પેલાં દાદા એ પણ લગભગ આ સાંભળ્યું હતું, પણ જ્યારે તમે તમારી મનગમતી વ્યક્તિ સાથે હોવ ત્યારે તમારા માટે બીજું કઈ પણ મહત્વનું નથી રહેતું.!!

મેં પણ પેલું ‘સજોડું’ જોવાનાં ઇરાદે તેઓને avoid કર્યાં અને તે બન્નેની વાત સાંભળવા ધ્યાન પરોવ્યું..

“તમે, દર વેલેન્ટાઈનમાં મને ગુલાબ આપો છો, શા માટે?
હવે તો આપણાં બન્નેની ઉંમર પણ થઈ ગઈ છે પહેલાં આ બધું બરાબર લાગતું પણ હવે..” પેલાં દાદી બોલ્યાં.

“અરે ગાંડી! ઉંમર આપણી થઈ છે આપણાં પ્રેમની નહિ!!”
દાદા આવું બોલી આછું હસ્યાં.

એ ગુલાબ પણ જાણે દાદીનો સ્વીકાર કરતું હોય તેમ તેની પાસે ગયું. તેના હાવભાવ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું કે તે દાદી અંધ હતા, તેમ છતાં તે તેના કરચલીવાળા હાથથી ગુલાબનાં સૌન્દર્યને અને તેમાંના સ્નેહને માણી રહ્યા હતા.
તે બંનેએ થોડી વાતો કરી ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા.

તેને જોયા બાદ હું પણ એ વાતનો સ્વીકાર કરી રહ્યો હતો કે સાચો સ્નેહ સમય જતાંની સાથે વધે છે પણ ફકત ત્યારે જ્યારે તેમાં વધુપડતી અપેક્ષાઓની ભેળસેળ ન હોય ત્યારે.

પ્રેમની રેખા અનંત રહે છે જો આપણે તેમાં અપેક્ષાઓની લીટી ઉમેરવાના પ્રયત્ન ન કરીએ તો.!!

મેં પણ મનોમન એવું વિચારી લીધું કે હવે થી દર વેલેન્ટાઈન આ દાદા – દાદીની પ્રેમાળ પ્રવૃત્તિને જોઈને જ ઉજવવો.


મેં મારો આ નિત્યક્રમ જાળવ્યો, લગભગ ચાર વર્ષ બાદ ફરી હું 14 ફેબ્રઆરી એ ત્યાં ગયો. મેં જોયું કે તે જ બેંચ ઉપર પેલાં દાદી બેઠાં હતાં, સવારના નવ થયાં હતાં, સૂર્ય પોતાનું જોર ઠંડી સામે અજમાવી રહ્યો હતો. પણ મે જોયું કે પેલા વૃદ્ધ દાદા નજરે નહોતાં પડતાં.

પહેલાં ક્યારેય આવું બન્યું નહોતું. મેં થોડો સમય રાહ જોઈ સાડા નવ થવા આવ્યા હતા છતાં પેલાં દાદા હજુ આવ્યા નહોતા. હું ચાર વર્ષથી તેઓને જોતો પણ ક્યારેય મેં તેમની સાથે વાત નહોતી કરી.

મેં ગેટની બહાર જોયું ત્યાં એક છોકરો WHITE SUZUKI SWIFT સાથે ઊભો હતો અને ક્યારનો ય આ વૃદ્ધા તરફ જોઈ રહ્યો હતો, હું તેની પાસે ગયો. વાતચીત પરથી મને જાણ થઈ કે તે પેલી વૃદ્ધ માતાનો પુત્ર છે. વૃદ્ધ દાદા-દાદી ઘણાં સમયથી એકલાં રહેતાં હતાં પણ 6 માસ પહેલાં જ પેલાં તેના પિતાનું અવસાન થયું તેથી તે તેની માતાને તેની સાથે રહેવા લઈ ગયો હતો.

પેલાં દાદાના મૃત્યુની વાત સાંભળીને મને તો ધ્રાસ્કો પહોંચ્યો.
હું મનમાં વિચારી રહ્યો હતો કે દાદા-દાદીનો પેલો ‘ગુલાબનાં ફૂલ’ વાળો સંકલ્પ આખરે તૂટી ગયો.

તે છોકરો વધુમાં બોલ્યો,”જુઓને સવારના જીદ પર બેઠાં હતાં કે મારે આજે ગાર્ડનમાં જવું જ છે, એવું તો શું હશે ગાર્ડનમાં મને નથી સમજાતું અડધો કલાકથી એમ ને એમ બેઠાં છે.”
(ખુદ પોતાનો છોકરો જ તેની આ પ્રેમાળ પ્રવૃત્તિથી અજાણ હતો. મને તો નવાઈ લાગી.!!)

આ બધું સાંભળ્યા બાદ પહેલીવાર મેં હિંમત કરીને ગાર્ડનની
જમણી બાજુએ રહેલા ગુલાબનાં છોડમાંથી એક ‘શ્રેષ્ઠ’ ગુલાબ પસંદ કરી દાદી જ્યાં બેઠા હતા ત્યાં જઈને તેના હાથમાં મૂકયું.

ગુલાબનો સ્પર્શ મેળવીને દાદીને જાણે નવું જીવન મળી ગયું હોય એમ લાગતું હતું. ઘણાં દિવસો બાદ આજે તેના મુખ પર હાસ્ય હતું જે ગુલાબની ચમકને પણ ફિક્કું પાડી રહ્યું હતું!!
જાણે તેના પતિ એ જ ગુલાબ આપ્યું હોય તેમ તેઓ આજુબાજુ પોતાની ‘અંધ’ નજરે જોવા લાગ્યા. મેં તેની સાથે વાત કરી આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. હું ભીની આંખે તેને અદ્ર્શ્ય થતાં જોઈ રહ્યો.

આ બધું બન્યા બાદ મે વિચાર્યું…….
કદાચ ભગવાને ચાર વર્ષ પહેલાં મને આ કામ માટે જ અંહી બોલાવ્યો હતો, સર્જનહાર ક્યારેય કોઈ કામ માટે નિષ્ણાતને જ પસંદ કરે એ જરૂરી નથી હોતું પણ હા! જેને પણ એ પસંદ કરે છે એને તે કામમાં નિષ્ણાંત જરૂર બનાવી દે છે. પેલાં વૃદ્ધ દાદા જે કામ પાછલાં ૪૦ વર્ષથી કરી રહ્યા હતા તેને ચાલુ રાખવા માટે ત્યાર પછીથી દર વેલેન્ટાઈન ડે પર તે દાદીને દાદાનાં રૂપમાં ગુલાબનું ફૂલ આપવાનું સ્વીકાર્યું.

“દાદીને ગુલાબનાં કાંટા જરૂર ખૂંચશે પણ તે ગુલાબ મળ્યાનો આનંદ પણ જરૂર થશે.!!”

ગરીબની દિલેરી*.

મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદનાં અંકિતાબહેન ડઘાઈ ગયાં. એમનાં હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો.

ડોક્ટરે શબ્દોની ધણધણાટી બોલાવી દીધી હતી, ‘તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે એ તમે જાણો છો. એની સારવાર તો મેં આપી દીધી. પણ હવે એના બેય પગની અક્કડતા સુધારવા માટે તમારે ખાસ પ્રકારના શૂઝ બનાવડાવવા પડશે.

ના, અમદાવાદમાં નહીં, અહીં મુંબઈમાં જ બનાવડાવવા પડશે. મને બીજા કોઈની ઉપર વિશ્વાસ નથી. દીકરાની કસરત ચાલુ રાખજો. છ મહિના પછી પાછા ‘ચેક અપ’ માટે આવી જજો. તમે હવે જઈ શકો છો. પૈસા બહાર કાઉન્ટર ઉપર ચૂકવી શકો છો. બાય! નેકસ્ટ પેશન્ટ!’

ગુજરાતના કોઈ પણ દર્દીને લઈને ક્યારેય મુંબઈ ગયા છો તમે? જો ગયા હશો તો અવશ્ય ડઘાઈ ગયા હશો. ત્યાંના ડોક્ટરોની તોતિંગ ફી અને નખશિખ પ્રોફેશનાલિઝમ જોઈને તમને અચૂક લાગશે કે આપણા ડોક્ટરો તો સાવ મફતમાં સારવાર આપે છે.

દોષ ત્યાંના ડોક્ટરોનો નથી, પણ મુંબઈના જીવનધોરણનો છે. મોંઘવારી, ક્લિનિકની જગ્યાના આસમાનને સ્પર્શતા ઊંચા ભાવ, દેશભરમાંથી આવતા દર્દીઓનો ધસારો, આમાં ડોક્ટરો ધંધાદારી ન બને તો શું કરે?

આ ડોક્ટર પણ એવા જ મજબૂર મહાત્મા હતા. પૂરા દેશમાં અમનું નામ છે. પ્રથમવારની કન્સલ્ટિંગ ફી ત્રણ હજાર રૂપિયા. દર્દી માટે ફાળવી શકાતો સમય પાંચેક મિનિટ કરતાં વધારે નહીં. અંકિતાબહેન દીકરાને ઊંચકીને બહાર નીકળ્યાં. પર્સ કાઉન્ટર પર ઊંધું વાળીને રસ્તા પર આવી ગયાં. ટેક્સી કરીને શૂઝ બનાવનારની ઓફિસે જઈ પહોંચ્યાં. દીકરાના પગનું માપ આપ્યું.

શૂ-મેકરે કીધું ‘બે દિવસ પછી આવજો. બૂટ તૈયાર હશે.’‘ભલે અંકિતાબહેન ઊભાં થયાં, અત્યારે કંઈ આપવાનું છે? એમનાં મનમાં એમ કે સો-દોઢસો રૂપિયા એડવાન્સ પેટે કદાચ આપવાના થશે.‘પાંચ હજાર રૂપિયા.’ માણસે સપાટ ચહેરે કહી દીધું ‘પૂરું પેમેન્ટ આજે જ આપવું પડશે. પછી જ અમે કામ શરૂ કરીશું.’

અંકિતાબહેન પાસે એ.ટી.એમ કાર્ડ હતું એ અત્યારે મદદે આવ્યું. રકમ ચૂકવીને ફરી પાછાં રસ્તા ઉપર. ફરી પાછી ટેક્સી. ફરી પાછું યજમાનનું ઘર એટલું વળી સારું હતું કે શાળાના વખતની જૂની બહેનપણી મુંબઈમાં પરણીને સેટલ થયેલી હતી, નહીંતર હોટેલમાં રહેવાનો ખર્ચ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવો સાબિત થયો હોત.

પણ આ બધું કરવું જ પડે તેમ હતું. ત્રણ વર્ષના વહાલા દીકરા રમ્ય માટે આ દોડધામ, આ હાડમારી, આ ખર્ચાઓ, માનસિક-આર્થિક-શારીરિક એમ ત્રિવિધ પ્રકારની હાલાકીઓ ઊઠાવવી જ પડે તેમ હતી. રમ્ય સાચ્ચે જ રમ્ય હતો. પરાણે વહાલો લાગે તેવો. ટ્રેનમાં બેઠેલા અજાણ્યા પ્રવાસીઓ પણ એને રમાડવા માટે ઊંચકી લેતા. પણ હાથમાં લીધા પછી તરત જ પૂછી બેસતા ‘બેન આના પગમાં કંઈક ખોડ છે?’

સાંભળીને અંકિતાની છાતી ચીરાઈ જતી. એ બંને એટલા ઓછા વાક્યોમાં માહિતી સમાવી દેતી – ‘હા, એને જન્મથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારી છે. મગજમાં કે એની વિચારશક્તિમાં કશું નુકસાન નથી, પણ પગના સ્નાયુઓમાં અક્કડતા આવી જાય છે. સારવાર ચાલુ છે. ડોક્ટરો કહે છે કે આગળ જતાં બહુ વાંધો નહીં આવે.’

જગતના શ્રેષ્ઠ ઓર્થોપેડિક ડોક્ટરોમાંના એક ડોક્ટર મુંબઈમાં હતા. એનું નામ સાંભળીને અંકિતા એમની પાસે દોડી ગઈ હતી. ડોક્ટરે ત્રણ વર્ષના રમ્યને બેહોશીનું ઇન્જેક્શન આપીને એના બંને પગના સાંધાઓમાં એક ખાસ પ્રકારનું ઇન્જેકશન આપ્યું હતું. એ દવાને કારણે અમુક મહિનાઓ સુધી પગના સ્નાયુઓ શિથિલ બની જવાના હતા. બાકીનું કામ ફિઝિયોથેરાપી અને ખાસ બનાવટના બૂટ દ્વારા પૂરું કરવાનું હતું.

શ્રેષ્ઠ સારવાર માટે મહત્તમ ધન ખર્ચીને અંકિતા પાછી અમદાવાદ આવી ગઈ. ફિઝિયોથેરાપી માટે રોજ દોઢથી બે કલાકનો ભોગ આપવો પડતો હતો. પતિની આવક મર્યાદિત હતી, સારવાર માટેની જાવક અમર્યાદિત હતી. અમદાવાદ આવ્યાને માંડ એકાદ મહિનો થયો હશે, ત્યાં બીજી મુશ્કેલી ઉત્પન્ન થઈ.

રમ્ય આખો દિવસ બૂટ પહેરી રાખતો હતો, એના લીધે બૂટના તળિયા ઘસાઈ ગયા. હવે શું કરવું? રમ્યના પપ્પાએ મુંબઈમાં ફોન લગાડ્યો. બૂટ બનાવનારે કહી દીધું ‘નવા સોલ નખાવવા પડશે, નહીંતર બૂટને નુકસાન થશે તો નવેસરથી પાંચ હજારનો ખર્ચ…’

‘ના ભ’ઈસા’બ અમે નવા તળિયાં નખાવડાવી લઈશું.’ ‘જુઓ, ત્યાં અમદાવાદમાં કોઈ કરી આપે એવું છે કે કેમ? નહીંતર કુરિયર દ્વારા અમારી પાસે મોકલી આપજો. અઠવાડિયામાં તમને બૂટ પાછા મળી જશે. મુંબઈગરાની વાત સાંભળીને અમદાવાદના મઘ્યમવર્ગીય પતિ-પત્ની ગભરાઈ ઊઠ્યા.
પૈસા! પૈસા! પૈસા! ન ધારી હોય એવી દિશાએથી નવા-નવા ખર્ચાઓ ઊભા થઈ રહ્યા હતા. માનવતા નામનો શબ્દ જાણે જગતમાંથી નષ્ટ થઈ ચૂક્યો હતો! કોઈની લાચારીમાંથી લોકોને રૂપિયાની ફસલ લણી લેવી હતી. શું કરવું? ક્યાં જવું?
કોઈએ માહિતી આપી, ‘અમદાવાદમાં એક મોચી છે. બહુ નાનો માણસ છે પણ કારીગર તરીકે મોટો છે. જાહેર રસ્તાની ફૂટપાથ ઉપર બેસીને જૂતાં સાંધવાનું અને પોલિશ કરી આપવાનું કામ કરે છે. કોઈ એક્સપર્ટની દુકાને જવાને બદલે આ ગરીબ કારીગર પાસે જઈ આવો. કદાચ કમ ખર્ચમાં તમારું કામ થઈ જાય!’

અંકિતાના દિમાગમાં વાત જચી ગઈ. બૂટ લઈને એ પહોંચી ગઈ. પાંત્રીસેક વર્ષનો એક લઘરવઘર આદમી ફૂટપાથ ઉપર પાંચ-સાત ડબ્બીઓ, બે-ચાર બ્રશ અને જૂતાં રિપેર કરવાનો સરંજામ લઈને બેઠો હતો. કારીગર હોશિયાર હોવો જોઈએ, કારણ કે એની આગળ ઘરાકોની લાઈન લાગી હતી.
કોઈ શો-રૂમમાં જેટલા નવા જૂતાં ન હોય, એટલી સંખ્યામાં જૂના બૂટ-ચંપલો આ ફૂટપાથિયાના દરબારમાં જોઈ શકાતા હતા.

સ્ત્રીને આવેલી જોઈને મોચીએ પૂછ્યું, ‘આવો, બહેન, આ તરફ આવી જાવ! તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. બોલો, શું લઈને આવ્યાં છો?’ બોલતી વખતે પણ એના હાથ તો ચાલુ જ હતા. અંકિતાએ થેલીમાંથી બૂઢ કાઢ્યા. તરત જ મોચી થંભી ગયો, ‘દીકરો કે દીકરી?’
‘દીકરો છે?’

‘તળિયાં ઘસાઈ ગયા છે ને? અરેરે! આ બીમારી જ એવી છે, પણ તમે ચિંતા ન કરશો, બે’ન. બૂટ મૂકતાં જાવ. આવતી કાલે લઈ જજો.’
‘પણ જોજો હં, કામ બગડે નહીં…’
મોચી હસ્યો, ‘બે’ન, મારું નામ દિનેશ છે અને આખું અમદાવાદ જાણે છે કે દિનેશ આવા કામમાં મુંબઈના કારીગર કરતાંયે વધુ હોંશિયાર છે. આ ઘસાઈ ગયેલા તળિયાં કાઢીને ચામડાના નવા સોલ લગાડવાનું કામ બહુ મહેનત માગી લે તેવું છે બેન.

એટલા માટે તો મેં એક દિવસનો સમય માગ્યો છે અને બીજી એક વાત તમે જાણી લો, તમારા દીકરા જેવી બીમારીવાળા તમામ બચ્ચાંઓના બૂટ આ દિનેશ જ સમારી આપે છે તમે ફિકર ન કરશો!’

ધમધમતો ધંધો, માથે પડતી ઘરાકી, ચાર-પાંચ સહાયકો અને સમયની ખેંચ હોવા છતાં મોચીએ શક્ય એટલી ઝડપથી રમ્યના બૂટ નવા જેવા કરી આપ્યા.

બીજા દિવસે જ્યારે અંકિતા વાયદા પ્રમાણેના સમયે જઈ પહોંચી, ત્યારે એનાં મનમાં આવી ગણતરી ચાલી રહી હતી, ‘આ કામ માટે મોચી સોથી દોઢસો રૂપિયા તો જરૂર લેશે જ.’
પણ એને આંચકો ત્યારે લાગ્યો જ્યારે દિનેશે જીર્ણોદ્ધાર પામેલા બૂટ એનાં હાથમાં મૂકીને કહ્યું

‘ના, બે’ન! આ કામનો હું એક પણ પૈસો નથી લેતો. આખા અમદાવાદમાં મારી મોનોપોલી છે એ હું જાણું છું, પણ…. ના… ભગવાને મને પૂરતી કમાણી આપેલી છે. તમારો જો ખૂબ જ આગ્રહ હોય તો ફી પેટે એક માગણી મૂકું છું – આવતા મહિને ફરી પાછા આવો ત્યારે તમારા મુન્નાને પણ લેતાં આવજો.’
‘કેમ?’

‘બીજું કંઈ કામ નથી, બે’ન! પણ મને ખબર તો પડે કે હું કયા ભગવાન માટે આ ભક્તિ કરી રહ્યો છું!’ બોલતાં બોલતાં દિનેશનું ગળું ભીનું થઈ ગયું અને સાંભળીને અંકિતાની આંખો!

મોચીની ભક્તિ મહિના-દર-મહિના ચાલતી રહી. પણ એક દિવસ અંકિતા માટે વીજળી બનીને ત્રાટક્યો. એ જ્યારે બૂટના સમારકામ માટે દિનેશના પાથરણાં પાસે પહોંચી ત્યારે દિનેશ ગાયબ હતો. એની જગ્યાએ એક વીસેક વર્ષનો યુવાન બેઠો હતો.

અંકિતાના ચહેરા પર ફૂટેલો સવાલ વાંચીને યુવાને બાજુના ઝાડ તરફ આંગળી ચીંધી. વૃક્ષના થડ ઉપર સ્વ. દિનેશની ફ્રેમમાં મઢેલી છબિ લટકતી હતી. એની ઉપર તાજા ફૂલોની માળા ચડાવેલી હતી.

યુવાને માહિતી આપી, ‘એ મારા કાકા હતા. વીસ દિવસ પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયા. સાઇકલ પર જતા હતા, પાછળથી બસ ધસી આવી, કાકા ચગદાઈ ગયા… પણ તમે નિરાશ ન થશો, બે’ન! લાવો, તમારાં દીકરાના બૂટ! હું રિપેર કરી આપું છું. દિનેશકાકા ખાસ મહેનત લઈને આ કારીગરી મને શીખવતા ગયા છે.’

અંકિતા કશું બોલી ન શકી, થેલીમાંથી બૂટ કાઢીને એણે યુવાનના હાથમાં મૂકી દીધાં. બીજા દિવસે જ્યારે એ પાછી આવી ત્યારે બૂટ ‘નવાં’ બની ગયા હતા.
અંકિતાએ પર્સ ખોલ્યું, ‘કેટલા રૂપિયા આપું?’
‘એક પણ નહીં.’ યુવાને જવાબ આપ્યો, પછી ઉમેર્યું ‘દિનેશકાકા આ વાત પણ મને વારસામાં શીખવતા ગયા છે. બહેન, જીવનભર આ ચામડાં ચૂંથતા રહીએ છીએ. ક્યારેક તો આવા ભજન-કીર્તન કરવા દો!

ફરી એકવાર બોલનારનું ગળું અને સાંભળનારની આંખો ભીની બની ગઈ. અંકિતાને આજે પહેલી વાર સમજાયું કે જગતમાં બધે ઠેકાણે પૈસાનું ચલણ નથી હોતું.
ફૂટપાથ પર બેઠલો મોચી મેટ્રોસિટીના ડોક્ટર કરતાં પણ વધુ મોટો હોઈ શકે છે.

એક વાત…

એક કરોળિયો હતો. તેણે આરામથી જીવવા માટે એક ભવ્ય જાળી બનાવવાનું વિચાર્યું અને વિચાર્યું કે આ જાળમાં ફસાયેલા ઘણા બધા જંતુઓ, માખીઓ ફસાઈ જશે અને હું તેને ખવડાવીશ અને આનંદથી જીવીશ. તેને ઓરડાનો એક ખૂણો ગમ્યો અને તેણે ત્યાં જાળી વણવાનું શરૂ કર્યું. થોડા સમય પછી, અડધી જાળી ગૂંથાયેલી અને તૈયાર થઈ ગઈ. આ જોઈને કરોળિયો ખૂબ જ ખુશ થઈ ગયો કે અચાનક તેની નજર એક બિલાડી પર પડી જે તેની પર હસી રહી હતી. કરોળિયાએ ગુસ્સે થઈને બિલાડીને કહ્યું, “તું કેમ હસે છે?” જો તમે હસો નહીં, તો હું શું કરું?” બિલાડીએ જવાબ આપ્યો, “અહીં માખીઓ નથી, આ જગ્યા ખૂબ જ સાફ છે, તમારી જાળમાં અહીં કોણ આવશે.” આ વસ્તુ કરોળિયાના ગળા સુધી નીચે આવી ગઈ. તેણે સારી સલાહ માટે બિલાડીનો આભાર માન્યો અને જાળી અધૂરી છોડી દીધી અને બીજે ક્યાંક જોવાનું શરૂ કર્યું. તેણે ઊંચું જોયું. તેણે એક બારી જોઈ અને પછી તેમાં જાળીઓ વીણવા લાગી, થોડી વાર સુધી તે જાળાં વીણતી રહી, પછી એક પક્ષી આવ્યું અને કરોળિયાની મજાક ઉડાવતાં કહ્યું, “અરે કરોળિયા, તમે પણ કેટલા મૂર્ખ છો.” “કેમ?” કરોળિયાએ પૂછ્યું. પક્ષી તેને સમજાવવા લાગ્યું, “અરે, અહીં બારીમાંથી જોરદાર પવન આવી રહ્યો છે. અહીં તું તારી જાળ લઈને ઊડીશ.” સ્પાઈડરને પક્ષીના શબ્દો ગમી ગયા અને તેણે ત્યાં જ જાળી અધૂરી છોડી દીધી અને વિચારવા લાગી કે હવે જાળ ક્યાં બનાવવી. ઘણો સમય વીતી ગયો હતો અને હવે તેને ભૂખ પણ લાગી રહી હતી.હવે તેણે એક કબાટનો ખુલ્લો દરવાજો જોયો અને તે તેમાં પોતાની જાળ વણવા લાગ્યો. તેણે આશ્ચર્યથી આંખોથી જાળી તરફ જોતો એક વંદો જોયો ત્યારે કેટલીક જાળી વણાયેલી હતી. કરોળિયાએ પૂછ્યું – ‘તું આમ કેમ દેખાય છે?’ કાક્રોચે કહ્યું, “અરે, તમે અહીં જાળ વણવા ક્યાં આવ્યા છો, આ એક નકામું કબાટ છે. તે હવે અહીં પડ્યું છે, થોડા દિવસો પછી તે વેચાઈ જશે અને તમારી બધી મહેનત વ્યર્થ જશે. આ સાંભળીને કરોળિયાએ વિચાર્યું કે ત્યાંથી દૂર જવું વધુ સારું છે.

તે વારંવારના પ્રયત્નોથી ખૂબ થાકી ગઈ હતી અને તેનામાં જાળ વણવાની તાકાત નહોતી. તે ભૂખને કારણે અસ્વસ્થ હતી. તેણે અફસોસ વ્યક્ત કર્યો કે જો તેણે અગાઉ જાળી વણાવી હોત તો સારું થાત. પરંતુ હવે તે કંઈ કરી શકે તેમ ન હતી, તે પણ એ જ હાલતમાં પડી હતી.

જ્યારે કરોળિયાને લાગ્યું કે હવે કશું જ થઈ શકે તેમ નથી, ત્યારે તેણે પસાર થતી કીડીને મદદ કરવા વિનંતી કરી.

કીડીએ કહ્યું, “હું તમને લાંબા સમયથી જોઈ રહી છું, તમે વારંવાર તમારું કામ શરૂ કરશો અને બીજાના કહેવાથી તેને અધૂરું છોડી દેશો. અને જે લોકો આવું કરે છે તેમની આ જ હાલત છે.” તેણે કહ્યું અને પોતાના રસ્તે જઈ રહ્યો હતો અને કરોળિયાને પસ્તાવો થઈ રહ્યો હતો.

સાથીઓ, આવું જ કંઈક આપણા જીવનમાં અનેક વાર બનતું હોય છે. આપણે થોડું કામ શરૂ કરીએ છીએ. શરૂઆતમાં તો આપણે એ કામ માટે ખૂબ જ ઉત્સાહિત હોઈએ છીએ, પરંતુ લોકોની કમેન્ટ્સને કારણે ઉત્સાહ ઓછો થવા લાગે છે અને આપણે આપણું કામ અધવચ્ચે જ છોડી દઈએ છીએ અને પછીથી જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે આપણી સફળતાની કેટલી નજીક છીએ, ત્યારે પાછળથી અફસોસ સિવાય બીજું કશું જ બચ્યું નથી.
મિત્રો, અમારી આ વાત તમને કેવી લાગી તે જણાવો અને વધુમાં વધુ શેર કરીને તમારા મિત્રોનો એટિટ્યૂડ બદલવાનો પ્રયાસ કરો.
આભાર……..

(મોબાઈલ) સત્ય ઘટના

આજે એક ગામડાના વિધવા માજી તાલુકા મથકનાં મોબાઈલ વાળાને વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેંસ નાંખે,મારા દિકરાને મુંબઈ ફોન જ નથી લાગતો,
મોબાઈલવાળા ને મે પુછયુ ભાઈ શું છે??
મોબાઈલવાળા એ કહ્યું (ધીમા અવાજે)આ માજીને એકનો એક છોકરો છે ૪૦ વિધા જમીન છે.માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે..સરકારી નોકરી હતી પેંશન આવે છે..પણ દિકરો અને વહુ મૂંબઈ લઈ જતા નથી વાડી સાંચવવા રાખ્યા છે .. મોટા બંગલા માં એકલું એકલું લાગે એટલે માજી મુંબઈ ફોન કર્યા કર થયા હશે..આધૂનીક વહુ ને આ નથી ગમતુ કે એમનો હસબંડ(માજીનો દિકરો)દિવસ માં દસ વાર એની મંમી સાથે વાત કરે એટલે માજીનો મોબાઈલ નંબર બંને એ બ્લોક કરેલો છે

મેં એક મોટો નીસાસો નાંખી મજબૂત થઈ માજી પાસે બેસી કહ્યું બા તમારો મોબાઈલ આપો હું રીપેર કરી આપું….
માજી માટે ચા મંગાવી હુ મોબાઈલવાળા એ બનાવેલી ચેમ્બરમાં ગયો માજી ના દિકરા ને મારા મોબાઈલ માંથી ફોન કર્યો ..

મારૂ નામ આપ્યું અને કહ્યું કે આ માજી જમીન વેચવા મારી ઓફીસ પર આવ્યા છે ૧ લાખ નો વિઘો જમીન કહે છે તમને મંજૂર છે ને??
મૂંબઈગરો ઉછાળ્યો અરે બાપુ ૧૦ લાખની વિઘો જમીન એમ એક લાખમાં થોડી વેચી દેવાઈ ચાર કરોડ ની જમીન ચાલીસ લાખમાં મારી બા ગાંડા થઈ ગયા છે
મે હંસીને કહ્યું મે પેપર ઓનલાઈન ચેક કર્યા માજીના નામે જ છે,
એ કહે રહો હું બા ને ફોન કરૂ

મે માજીના મોબાઈલમાં બંનને ના નંબર બ્લોક કર્યા હતા.
હું ચેમ્બરમાં થી બહાર આવ્યો.માજીને કહ્યું બા આ મોબાઈલ ૨૪કલાકમાં ચાલુ થઈ જશે.ત્યાં સુધી SwitchOffરાખવો પડશે..
માજી થોડી નીરાશ થયા મે કહ્યું “બા”હું તમારા ગામ બાજુ જાવ છું તમને ઘર સુધી ઉતારતો જાવ,મોબાઈલ વાળા સામે જોઈ માજી કહ્યું તમારા જેવો ભગવાન ય નહી
માજીને ઘરે ઉતારી દિધા.
હું ત્રીજા દિવસે માજી ના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશી એ કહ્યું કે બે દિવસ પહેલા દિકરો અને વહુ આવ્યા હતા માજી ને મુંબઈ લઈ ગયા અને વાડી ગામ ના કણબી પટેલને ૩૩% ભાગે વાવેતર કરવા આપી દિધી

મીશન માજી મોબાઈલ સફળ થયું ..મારી પાસે ફોનનંબર હતો મે ફોન કર્યો માજીને મે કહ્યું બા જય માતાજી મોબાઈલ ની દુકાને મળ્યો હતો એ બાપૂ બોલું છુ મોબાઈલ ચાલુ થઈ ગયો??

માજીએ કહ્યું હવે મોબાઈલ ની શું જરૂર દિકરો અને વહુ ના ઘરે મુંબઈ આવી ગઈ છું

એઈ બેય સામાને સામા જ હોય છે.

મે કહ્યું આ મારો નંબર છે મોબાઈલ બગડે તો ફોન કરજો..જય માતાજી

દુનિયા નજીક આવી …માણસ દૂર થતો ગયો..

એરપોર્ટ ઉપર અમદાવાદ થી દિલ્હી માટે પ્લેન ટેકઓફ કરવાની તૈયારી માં હતું.મુસાફરો એમની સીટ ઉપર સેટ થઈ ગયા હતા. ક્રૂઝ મેમ્બર અને એર સ્ટાફ એક્શન માં હતા….અને પ્લેન તેના નિર્ધારીત સમયે ટેક ઓફ થયું.

મોટાભાગ ના મુસાફરો ઉદ્યોગ ધંધા ને લગતા કામકાજ માટે જતાં હતા.અમદાવાદ થી મનન પણ એના આઇ.ટી. ના બિઝનેસ સંદર્ભે દિલ્હી જઈ રહ્યો હતો.મનન આઇ. ટી.ઈજનેર છે.અમદાવાદ માં સારો એવો બિઝનેસ વિકસાવ્યો છે.શાળાકીય શિક્ષણ ઉત્તર ગુજરાત ના એક ગામડા માં લીધું.પછી શહેર ની ઇજનેરી કોલેજ માં થી આઇ. ટી.ઈજનેર થયો.થોડા સમય નોકરી બાદ ધંધો વિકસાવ્યો.પ્લેન માં એ એના લેપટોપ માં મશગુલ છે.

મનન ની બાજુની સીટ માં ડૉ.ધવલ બેઠો છે. ગામડા માં સ્કૂલ સુધી નો અભ્યાસ કરી તે આજે શહેર માં એમ. ડી.ડોકટર છે.એ એના કામકાજ સંદર્ભે દિલ્હી જઈ રહ્યો છે.તે પણ તેના લેપટોપ માં મશગુલ છે.

એવામાં બાજુ માં બેઠેલા મનન ની નજર ડૉ.ધવલ ના લેપટોપ પર પડી..ત્યાં એણે એક ફોટો જોયો…ઉંમરલાયક દાદા નો ફોટો હતો…મનન ને ફોટો જોઈને નવાઈ લાગી…..મનન ને થયું….આ દાદા નો ફોટો તો એના ઘરે પણ છે…..મનન ને બાજુમાં બેઠેલા ડૉ.ધવલ ને પૂછવાનું વિચારતો હતો…..પણ સંકોચ થતો કે આમ અજાણ્યા ભાઈ ને કોણ પૂછે….. છતાં પણ હિંમત કરીને મનને વાત ની શરૂઆત કરી…..
“એકસુઝ મી….સાહેબ..અમદાવાદ ના છો….”
ડૉ.ધવલે જવાબ આપ્યો…..” યસ….સર….તમો ?”
મનને જવાબઆપ્યો…”યસ…અમદાવાદ…સાહેબ…મારા મગજ માં એક પ્રશ્ન થયો છે પણ સંકોચ થાય છે….”
ડૉ.ધવલ જવાબ આપે છે….” નો પ્રોબ્લેમ….કયો પ્રશ્ન..”
મનન પૂછે છે…”કે તમારા લેપટોપ માં જે દાદા નો ફોટો છે તે કોણ છે…..”
ડો.ધવલ જવાબ આપે છે….”તે મારા દાદા છે…..”
મનન વિચાર કરે છે ….. સાલું મારા ઘરે જે ફોટો છે…તે તો મારા દાદા નો છે…..તો આ ભાઈ કહે છે…. એ મારા દાદા નો ફોટો છે….આ કેવી રીતે બને…..
મનન પેલા ભાઈ ને પૂછે છે….”એક્સુઝ મી….સાહેબ… એ તમારા દાદા નું શું નામ….?
ડૉ.ધવલ જવાબ આપે છે …”મારા દાદા નું નામ વીરચંદ દાદા…”
મનન ને નવાઈ લાગી…..મનન પેલા બાજુ માં બેઠેલા ભાઈ ને કહે છે …” સાહેબ..મારા દાદા નું નામ પણ વીરચંદદાદા છે….”
ડૉ.ધવલ નવાઈ સાથે પૂછે છે….” સાહેબ..તમારા પપ્પાનું શું નામ….?
મનન જવાબ આપે છે…..”વિનોદભાઈ…..તમારા પપ્પાનું શું નામ…..?”
ડૉ.ધવલ નામ જાણી ને નવાઈ સાથે બોલે છે ….”અરે….મારા પપ્પા નું નામ ગીરીશભાઈ…..મારા પપ્પા મને એક દિવસ કહેતા હતા કે એમને એક ભાઈ છે…અને તેમનું નામ…..વિનોદભાઈ….”

મનન પણ બોલે છે….સાહેબ,મારા પપ્પા પણ મને કહેતા હતા કે તેમને એક ભાઈ છે …નામ ગીરીશભાઈ….”

ડૉ.ધવલ લેપટોપ બંધ કરી…..મનન ને પૂછે છે…..”તમારું નામ ….મનન…..”
મનન જવાબ આપે છે …” યસ…. તમારું નામ ધવલ….”

બંને લેપટોપ બંધ કરી સીટ ઉપર ઊભા થઈ ભેટી પડે છે…
અને આપણે તો કાકા બાપા ના ભાઈઓ છીએ….. બંને ને જાણી ખુબ નવાઈ લાગી અને આનંદ પણ થયો….અને ખેદ પણ થયો કે સાલું એક જ સીટ માં આપણે બેઠા છીએ છતાં આપણે ઓળખતા નથી ….પછી બને એ અભ્યાસ અને ધંધા વિશે માહિતી મેળવી…..અને પોતાના બાપ દાદા ના ગામડા નાં ઘર ના જૂના પૂર્વગ્રહો વિશે પસ્તાવો પણ થયો…….

સામેની સીટ ઉપર બેઠેલા એક કાકા એ આ વાત જાણ્યા પછી….બોલ્યા ….”ભાઈ…..આ બધો મોબાઈલ યુગ છે…દુનિયા નજીક થઈ ગઈ …પણ માણસ એકબીજા થી દુર ધકેલાઈ ગયો છે…..સંબંધો વિસરાવા માંડ્યા છે ..આત્મીયતા તો ખલાસ થઈ ગઈ છે……

પ્લેન દિલ્હી લેન્ડિંગ થયું …મનન અને ધવલ એક જ હોટેલ માં ઉતર્યા ….બે દિવસ જોડે રહ્યા….હવે સાહેબ કહેવાનું રહ્યું નહોતું…..અમદાવાદ આવીને બંને ના ફેમિલી ભેગા કર્યા …સંયુક્ત જમણવાર કર્યો…ખૂબ આનંદ કર્યો…..

તારે ઝમી પર…

એક નાનો બાળક રોજ શાળાએ જતી વખતે રસ્તામાં આવતા એક મંદિરમાં દર્શન કરવા માટે જતો. ભગવાનની મુર્તિ સામે બે હાથ જોડીને ઉભો રહેતો. આંખો બંધ કરીને એ પ્રાર્થનામાં એવો તો મશગુલ થઇ જતો કે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો ભગવાનને બદલે આ બાળકને જોયા કરતા. મંદિરના પુજારી પણ આ બાળકની રાહ જોઇને બેઠા હોય. ઘણા તો એવી પણ વાતો કરતા કે આ બાળક સાક્ષાત હનુમાનજી છે, કેટલા ભાવથી ભગવાનના દર્શન કરે છે. આંખો બંધ કરીને ઉભેલા બાળકના માત્ર હોઠ ફફળતા હોય. થોડી મિનિટો સુધી બસ એમ જ કંઇક બોલ્યા કરે. બધાને એ વાતનું આશ્વર્ય હતું કે આ નાનો બાળક ભગવાનને શું પ્રાર્થના કરતો હશે…!!!

એક દિવસ બધા ભક્તોએ ભેગા થઇને પુજારીને વિનંતિ કરી કે આ છોકરાને આપણે પુછીએ કે એ ભગવાનને શું પ્રાર્થના કરે છે.?
પુજારીને પણ આ જાણવું જ હતું એટલે બધા પેલા બાળકની રાહ જોવા લાગ્યા. બાળક આવ્યો, બુટ ઉતારીને મંદિરમાં પ્રવેશ્યો, દફતર ખભા પર જ હતું ને બે હાથ જોડીને પ્રાર્થના ચાલુ કરી. પ્રાર્થના પુરી કરીને એ બહાર નિકળ્યો એટલે બધા લોકોએ એને ઘેરી લીધો.,

પુજારીએ પુછ્યુ,“ સાચુ કહેજો આપ કોણ છો અને રોજ શું પ્રાર્થના કરો છો.?”

પેલા બાળકે કહ્યુ, “ અરે, પુજારીજી મને ના ઓળખ્યો હું તો બાજુની ચાલીમાં રહેતા ઇશ્વરભાઇનો બાળક છું અને મને પ્રાર્થનામાં કંઇ જ ખબર પડતી નથી. ભગવાનને શું કહેવાય, અને શું ન કહેવાય એ કંઇ જ સમજાતું નથી., હું તો ભગવાન સામે ઉભો રહીને આંખ બંધ કરીને ૨ વખત બારાક્ષરી બોલી જાવ છું. ભગવાને એમાંથી જે શબ્દો જોઇતા હોય એ લઇ લે અને જેવી પ્રાર્થના બનાવવી હોય એવી બનાવી લે.”…

પ્રાર્થનાને શબ્દોની કોઇ જરુર નથી હોતી, શબ્દોમાં તો મોટા ભાગે માંગણીઓ જ હોય છે.

વોટ્સએપ સ્ટેટસ…

પિતા બીમાર પડ્યા, તેમને ઉતાવળમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
હોસ્પિટલ પહોંચતાની સાથે જ તેણે હોસ્પિટલના બેડ પર પોતાનો ફોટો ક્લિક કર્યો અને તેને ફેસબુક પર ‘ફાધર બીમાર હોસ્પિટલમાં દાખલ’ સ્ટેટસ સાથે અપલોડ કર્યો.
ફેસબુક ફ્રેન્ડ્સે પણ ‘લાઈક’ ફટકારીને પોતાની ‘ફરજ’ પૂરી કરી.

તે પોતાના મોબાઈલ પર પિતાની સ્થિતિ અપડેટ કરતો રહ્યો.
પિતા પોતાના ‘વ્યસ્ત’ પુત્ર સાથે વિચલિત આંખો સાથે વાત કરવા ઝંખતા રહ્યા…!
આજે જોયું કે પિતાજીની હાલત થોડી ખરાબ છે….!
જુનો સમય હોત તો… દીકરો ડોક્ટર પાસે દોડ્યો હોત…
…પણ…તેણે ઉતાવળે ‘દુઃખ’ પિતાની એક કે બે તસવીરો ક્લિક કરી…
‘કન્ડિશન ક્રિટિકલ’ સ્ટેટસ સાથે અપલોડ કર્યું… દર વખતની જેમ આ વખતે પણ ફેસબુક મિત્રોએ પોતાની જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવી છે.

બે-ચાર નજીકના મિત્રોએ અત્યંત હૃદયસ્પર્શી કોમેન્ટ કરીને પોતાની સંવેદનશીલતાનો પુરાવો આપ્યો.
‘વાહ! તેની આંખોમાં આંસુ પણ સ્પષ્ટ દેખાય છે. શાબાશ પિતાજી, આવી સેવા કરવા લાયક કોઈ સેવા હોય તો ચોક્કસ જણાવજો. બીજી તરફ પિતા કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા હતા પણ પુત્ર લાઈક અને કોમેન્ટ કરવામાં વ્યસ્ત હતો.
‘ફોટો મોબાઈલ કે કેમેરામાંથી લેવાયો?’
પછી નર્સ આવી – ‘આ દવા તમે દર્દીને તો નથી આપી ને?’

‘દવા?’ તે હચમચી ગયો
બગડતી હાલત જોઈને નર્સે બેલ વગાડી
‘તેને ઈમરજન્સીમાં લઈ જવાનું!’
થોડી વાર પછી ‘દીકરો’ લખે છે –
‘પપ્પા હવે નથી!
માફ કરશો… કોઈ ફોટો નથી…
મારા પિતા હમણાં જ ગુજરી ગયા!
ICUમાં ફોટા પાડવાની પરવાનગી ન હતી…’
કેટલીક કોમેન્ટ્સ આવી
‘ઓહ, તું છેલ્લી ઘડીએ તસવીર પણ ન લઈ શક્યો!’
‘હોસ્પિટલે છેલ્લી ઘડીએ ફોટો પાડવા દેવો જોઈતો હતો!’ હોસ્પિટલ કેટલી સંવેદનશીલ છે
‘રીપ’
‘રીપ’
‘વિદાયનો ફોટો અપલોડ કરવાની ખાતરી કરો’
પપ્પા ગયા હતા…
તે થોડો અજીબોગરીબ અનુભવી રહ્યો હતો…. હું માની શકતો ન હતો કે તેના માથા પરનો વટ વૃક્ષનો પડછાયો હંમેશ માટે ગાયબ થઈ ગયો છે.
પરંતુ આ પહેલા તેને આટલી બધી ‘લાઇક્સ’ અને ‘કોમેન્ટ્સ’ મળી ન હતી.
હોસ્પિટલમાં કેટલાક ખાસ સંબંધીઓ આવ્યા હતા… કોઈએ તેમને ગળે પણ લગાવ્યા…
દીકરો આલિંગન કરતી વખતે પણ મોબાઈલ પર કંઈક વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
પુત્ર કેટલો કર્તવ્યનિષ્ઠ હતો!
પપ્પાની વિદાય વખતે પણ…. બધાને
લખતો હતો ‘બધાનો આભાર’…!
સંબંધોને તેનો નવો અર્થ મળી ગયો હતો!

જો કે આ મેસેજ ઘણા સમય પહેલા કોઈએ વોટ્સએપ પર મોકલ્યો હતો, પરંતુ તે વાંચીને મને પણ લાગ્યું કે ઘણા લોકોની દુનિયા ફક્ત “ફેસબુક અને વોટ્સએપ” ની જાળમાં ફસાઈ ગઈ છે અને તેઓ તેમના પરિવારને સમય નથી આપતા.
તો કાલ્પનિક દુનિયા છોડીને તમારી વાસ્તવિક દુનિયાને પણ સમય આપો.
કોઈ એવી વ્યક્તિ કે જે તમારી સાથે બે કલાક વાત કરવા ઈચ્છે છે…

ટાઈમ બેંક…

જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી.

છતાં તેણે ૮૭ વર્ષના એક એકાકી વૃદ્ધની કાળજી રાખવાનું ‘કામ’ સ્વીકાર્યું હતું. મેં ક્રિસ્ટિનાને પૂછ્યું શું તે પૈસા માટે આ કામ કરી રહી હતી?

તેના જવાબે મને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂક્યો. તેણે કહ્યું, “હું આ કામ પૈસા માટે નથી કરતી પણ હું મારો સમય ‘ટાઇમ બૅન્ક’માં જમા કરાવું છું. જ્યારે હું ઘરડી થઈશ અને હલનચલન કરવા અસમર્થ બની જઈશ ત્યારે હું ‘ટાઇમ બૅન્ક’માંથી એનો ઉપાડ કરી શકીશ.”

પહેલી વાર મેં ‘ટાઇમ બૅન્ક’ વિશે સાંભળ્યું. મને ઉત્સુકતા થઈ અને મેં એ વિશે વધુ જાણવા રસ દાખવ્યો.

મૂળ ‘ટાઇમ બૅન્ક’ સ્વીસ ફેડરલ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ સિક્યોરિટી દ્વારા વિકસાવાયેલો એક વૃદ્ધાવસ્થા માટેનો પેન્શન કાર્યક્રમ હતો. લોકો જ્યારે જુવાન હોય ત્યારે ઘરડાં લોકોની સેવા કરી સમયને ‘જમા’ કરે અને પછી પોતે ઘરડાં થાય કે માંદા પડે કે અન્ય કોઈ કારણ સર જરૂર પડે ત્યારે તેનો ‘ઉપાડ’ કરવાનો.

ઉમેદવાર તંદુરસ્ત, સારી વાક્છટા ધરાવનાર અને પ્રેમથી સભર હોવો જોઈએ. રોજ તેમણે જરૂરિયાતમંદ વ્યક્તિની કાળજી રાખવાની અને તેને મદદ કરવાની.
જેટલો સમય તે સેવા આપે તે એના સોશિયલ સિકયુરિટી સિસ્ટમના વ્યક્તિગત ‘ટાઇમ’ અકાઉન્ટમાં જમા થાય.
ક્રિસ્ટિના અઠવાડિયામાં બે વાર કામે જતી. દરેક વખતે બે કલાક ૮૭ વર્ષના પેલા વૃદ્ધની મદદ કરવા, તેમની માટે ખરીદી કરવા, તેમના ઘરની સાફ સફાઈ કરવા, તેમને સૂર્ય પ્રકાશમાં આંટો મારવા લઈ જવા, તેમની સાથે વાતો કરવા.

કરાર મુજબ, તેની એક વર્ષની સેવા બાદ, ‘ટાઇમ બૅન્ક’ તેના કુલ સેવાના કલાકોની ગણતરી કરી તેને એક ‘ટાઇમ બૅન્ક કાર્ડ’ આપશે. જ્યારે તેને મદદની જરૂર પડે ત્યારે તે આ કાર્ડ નો ઉપયોગ કરી વ્યાજ સાથે જમા થયેલ સમય નો ‘ઉપાડ’ કરી શકશે.

માહિતી ચકાસ્યા બાદ ‘ટાઇમ બૅન્ક’ તેને મદદ કરી શકે એવા ખાતેદારને હોસ્પિટલ કે તેના ઘેર મોકલી આપશે.
એક દિવસ હું શાળામાં હતો અને ક્રિસ્ટિનાનો ફોન આવ્યો કે તે ઘરમાં બારી સાફ કરતાં ટેબલ પરથી પડી ગઈ છે. મેં અડધી રજા મૂકી ઘેર દોટ મૂકી અને ક્રિસ્ટિનાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી. તેને પગની એડી એ ઇજા પહોંચી હતી અને થોડા સમય સુધી ખાટલે આરામ કરવાની ફરજ પડી.

મને જ્યારે ચિંતા થઈ કે હવે તેનું ધ્યાન કોણ રાખશે ત્યારે તેણે તરત મને ચિંતા ન કરવા જણાવ્યું. તેણે ‘ટાઇમ બૅન્ક’ માં ‘ઉપાડ’ ની અરજી કરી દીધી હતી! બે જ કલાકમાં એક સ્વયંસેવક હાજર પણ થઈ ગયો ક્રિસ્ટિનાની સેવામાં. ‘ટાઇમ બૅન્કે’ વ્યવસ્થા કરી હતી તેની.
એ પછી એક મહિના સુધી, તે સ્વયંસેવકે ક્રિસ્ટિનાની ખૂબ સારી કાળજી રાખી, રોજ તેની સાથે સમય પસાર કર્યો, વાતો કરી તેના માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું. એક મહિનામાં તો આ સ્વયંસેવકની દેખરેખ હેઠળ ક્રિસ્ટિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ.

સાજા થયા બાદ ક્રિસ્ટિના ફરી ‘કામે’ લાગી ગઈ. તેની ઈચ્છા હતી કે તે જ્યાં સુધી તંદુરસ્ત છે ત્યાં સુધી આ રીતે કામ કે સેવા કરી શકય એટલો વધુ સમય ‘ટાઇમ બૅન્ક’ માં જમા કરી શકે.

સ્વિત્ઝર્લેન્ડમાં વૃદ્ધોની મદદ માટે ‘ટાઇમ બૅન્ક’નો ઉપયોગ પ્રચલિત છે. આ પ્રથા માત્ર દેશના પેન્શન ખર્ચાઓ ને જ નથી બચાવતી પણ અન્ય સામાજિક સમસ્યાઓનો પણ ઉકેલ લાવે છે.
ઘણાં સ્વીસ નાગરિકો આ ઓલ્ડ – એજ પેન્શન પ્રથાને ઉત્સાહભેર આવકારે છે અને તેનો ભાગ બનવા ટાઇમ બૅન્કમાં જોડાય છે.
સ્વીસ સરકારે ટાઇમ બૅન્ક પેન્શન યોજનાને લગતો કાયદો પણ પાસ કર્યો છે.
આપણે ત્યાં પણ આવી ટાઇમ બૅન્ક હોય તો?

ભૂલાયેલું પાકિટ….

(આ એક જીવનનો બોધ આપતી સુંદર વાર્તા છે, એક વાર જરૂર વાંચજો. પૈસા અને માણસાઈ વચ્ચેનો ભેદ ખબર પડી જશે..)
રોજ સવાર પડે, એમ એ દિવસે પણ સવાર પડી. ઘરનું કામ આટોપી, ઓફિસે સમયસર પહોંચવા સ્વયં માટે ઓછામાં ઓછો સમય ફાળવ્યો. ટીફિન ,ચાવીઓ અને ચશ્મા લીધાંની ખાત્રી કરી ઘર બહાર પગ મૂક્યો, ત્યાં નાની દીકરીએ આવી જોરથી ભેટી “બાય મમ્મી,જલ્દી આવજે,લવ યુ.” કીધું અને મને દિવસ સાર્થક લાગ્યો. એનું વેકેશન શરૂ થયું હતું તેથી આગલે દિવસે જ લાવવાની વસ્તુઓનું લિસ્ટ મને મળી ગયું હતું એ યાદ પણ કરાવી દીધું.
એ વિશે વિચારતાં જ રસ્તા પર આવી, રિક્ષા માટે હાથ કર્યો.રાબેતા મુજબ બે-ત્રણ
રિક્ષાવાળાએ ના પાડી,છેલ્લે એક રિક્ષા મળી તો ઈડરીયો ગઢ જીત્યા જેવી લાગણી થઇ, આવું તો ઘણી વાર થતું તેથી નવાઈ નહોતી.
સમયસર હોવાનો ફાંકો હતો તેથી આજુબાજુ નજર નાંખતા ઓફિસ પહોંચી , પર્સમાં ફંફોળ્યુ તો પાકિટ ગાયબ.ઘડી પહેલાનો રૂઆબ સાબુના ફીણની જેમ ઓસરી ગયો.મારી ગરબડ જોઈ રિક્ષાવાળાએ માપી લીધું કે મેડમ આજે નાણાં વિનાનાં છે.એણે કહ્યું ,” થાય આવું કદી,કાલે‌ લઈ લઈશ પૈસા,મારો નંબર લઈ લો , તમારાં એરિયામાં આવું જ છું , શાળાના બચ્ચાઓને મૂકવા, ત્યારે આપી દેજો,કૉલ કરજો એટલે આવી જઈશ.
ભોંઠપ ઓછી કરવાની એની કોશિશ પ્રશંસનીય હતી. મેં નંબર લેવા મોબાઈલ શોધ્યો તો એ પણ ગેરહાજર.એકાદ જૂનું બીલ શોધી નંબર લખવા પેન પણ એ સજ્જને જ આપી.પૈસા આપવાનું વચન આપી ઓફિસ પહોંચી તો લેટ માર્ક થવાની તૈયારીમાં. દોડતાં જઈ હાજરી પુરાવી ત્યારે ઉપરીના મોં પર સ્મિત તો મોનાલિસાના સ્મિત કરતાં ગૂઢ લાગ્યું.
ટેબલ પર પહોંચી અત્યંત જરૂરી કામ આટોપવાની કોશિશ કરી.સવારનો દીકરીનો ઉષ્માભર્યો આશ્લેષ બધી ગરબડમાં ધોવાઈ ગયો.એકવાર કામ શરૂ કર્યા બાદ ફરી પેલી ‘ ભોંઠપ’ વિસારે પડી.પાકિટ ન લાવ્યાંનું ભૂલાઈ ગયું! એક પછી એક કામ પતાવતાં લંચ સમય થયો.આદત મુજબ નીચે ઊતરી શાક,ફ્રૂટ લેવાનું લિસ્ટ મનમાં યાદ કરતાં રોજનાં શાકવાળા પાસે જઈ ઊભી રહી.
મસ મોટું લિસ્ટ એને ગોખાવી થેલો આગળ કર્યો.એની સાથે સ્ત્રી સહજ મોંઘવારીની ચર્ચા કરતાં ફરી પર્સમાં હાથ નાખ્યો અને…! પાકિટ ભૂલી ગયાંની વાત જાણી શિવશંકર(શાકવાળો) હસી પડ્યો અને બોલ્યો ,” ઉસમેં
કૌન સી બડી બાત હૈ ! હો જાતા હૈ ઐસા કભી કભી.” મેં શાક ફ્રૂટ કાલે લઈ જવાની વાત કરી તો કહે ,” ના,ના ,આપ બેજીજક લે જાઈએ. મૈં ને ઔર ભી થોડે પૈસે રખ દિયે હૈં,આરામસે રહિયે . ઉસસે ઔર કુછ ચાહીયે તો લે લીજિયે.જબ ચાહે લૌટા દેના,આપ કિસી ઔરસે માંગના મત.”
આ શાકવાળાને કંઈ કેટલીયવાર કાંટો બરાબર નથી, વધારે ભાવ લગાડવાના બહાને ભાંડ્યો હશે..આજે મને ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવું લાગ્યું.આભાર માની હળવે પગલે ઓફિસમાં પહોંચી શાકનો થેલો ખાનામાં મૂકતાં જોયું તો સોની દસ નોટ થેલામાં.
ફરી કામે લાગી,હવે કામ પતાવી ઘેર જવાની ઉતાવળ.એક પછી એક ફોન,ફાઈલ,નોંધ કરવી … એટલામાં બોસે બોલાવ્યાની વરદી.કમને એમની કેબિન પાસે પહોંચી તો લંચ રૂમ પાસે પસાર થતા ગુસપુસ સાંભળી.અમારો પ્યુન વાલજી ચા વાળાને કહી રહ્યો હતો ,” આજે દીકરીનો જન્મદિવસ.એને બાર્બી ડોલ લાવી આપવાનું વચન આપેલું ઘણાં દિવસથી.પરમ દિવસે પડોશીને અકસ્માતમાં ફ્રેકચર થતાં એને પાંચસો આપ્યાં.હવે આજે કોઈ પાસે જન્મદિવસ નિમિત્તે હાથ ફેલાવતા સંકોચ થાય છે .”
મને સો સો ની દસ નોટ યાદ આવી, ઝડપથી જઈ એમાંથી પાંચ નોટ લાવી વાલજીના હાથમાં મૂકી મુઠ્ઠી વાળી દીધી.એ કશું બોલે એ પહેલાં રૂમ છોડી નીકળી ગઈ.એના સજળ નયન મારી પીઠને જરૂર તાકી રહ્યા હશે.પાછા વળતાં હું વિચારી રહી ,””કોનાં પૈસા,કોની શ્રીમંતાઈ !”
બોસની કેબિન પાસે પહોંચી તો એમનાં શબ્દો કાન પર પડ્યા.” એ જાતને તો માંગવાની ટેવ પડી ગઈ હોય.આજે પાકિટ ભૂલાઈ ગયું તો કાલે પાકિટ કપાઈ ગયું.વોચમેનની જાતનો કોઈ ભરોસો નહીં. એને ઉછીનાં આપવાની કોઈ
જરૂર નથી .તને બધાં પર બહુ દયા ઊભરાય છે. કામ બહુ છે, ફોન મૂકું છું.”
કેબિન બહાર ઊભા રહી મેં તો ત્રાજવે તોળી લીધી આજે મળેલી દરેક વ્યક્તિને.ત્યાર બાદ કશું ન બન્યા હોવાનો અભિનય પાર પાડી કામ પતાવ્યું. સાંજે ઘેર જઈને સૌને “થાય એવું કદી કદી “ની ગાથા સંભળાવી.
મોબાઈલ હાથમાં લઈ પ્રથમ રિક્ષાવાળાનો મોબાઈલ નંબર નોંધી એનાં વ્યક્તિત્વને વંદી રહી.એણે ધાર્યું હોત તો અપશબ્દો કે કટુ વચનો વાપરી શક્યો હોત.એના બદલે એણે મને સહજતા બક્ષી જેથી હું ઓફિસમાં નિર્વિકાર થઈ કામ કરી શકી. રાત્રે સૂતી વખતે… હું મહિને ખાસ્સું કમાતી , છતાં મારી જાતને રિક્ષાવાળા ,શાકવાળા શિવશંકર અને મારા બોસની સાથે તોલી રહી.
તે દિવસે “ભૂલાયેલું પાકિટ” મને માણસાઈની ઘણી અણજાણી ગલીઓમાં ભ્રમણ કરાવી આવ્યું. વાતે વાતે બેંક બેલેન્સ , સમાજમાં આગવા સ્થાન કે પ્રતિષ્ઠાને અસ્તિત્વની પારાશીશી ગણનાર આપણે ,

કદી આ સ્તરે મળનારી વ્યક્તિઓનાં ઊજળાં પાસાં વિશે વિચારીશું ખરાં?
પાકિટ વિના શરૂ થયેલો દિવસ મને શીખવી ગયો કે
તમારી શ્રીમંતાઈને પરખવી હોય તો વિના પાકિટે પારખો.
ભરેલાં ખિસ્સાંએ એનો ખરો રંગ નહીં દેખાય!