🌼માવા-મસાલા –ફાકી-ગુટકા વગરે ખાતા હોય એને જમવા સીવાયના સમયે સાત સોનાની વસ્તુ ખાવા આપશો તો ય…મોંમાં ભરેલા માવા સાથે ‘ઉંઉં…ઉંઉં…’ કરતા ના જ પાડશે. ગમે તેવું ફ્રુટ કે હેલ્ધી વસ્તુઓ ધરશો તો ય એના માટે મોંમાં ભરેલો માવો અને માવાના શીડ્યુલ સિવાય કશું જ મહત્વનું નથી હોતું.
🌼ગમે તેવા ટેન્શનમાં હો કે ગમે તેવા શ્રીમંત હો, આવા ગુલામ બનાવી દેતા વ્યસનને કોઈપણ સંજોગોમાં જસ્ટીફાય ના જ કરી શકાય કે યોગ્ય ના જ ગણાવી શકાય. પણ એમાં ય જ્યારે આવક ઓછી હોય ત્યારે તો જરાય નહિ. બાળકને સ્કુલમાં સારી સ્ટેશનરી અપાવવી કે હેલ્ધી ખવડાવવું એના કરતાં ય રોજ ૭૦-૧૦૦ રૂપિયા વ્યસનમાં જતા રહેતા હોય તો દોષ કોનો? એક તોલાનો ભાવ હોય એટલી મધ્યમ વર્ગની એક મહિનાની આવક હોય…પણ તમે ગણતરી કરશો તો એ પણ પામશો કે એક આવું માધ્યમ વ્યસન ધરાવતો વ્યક્તિ દોઢેક વર્ષમાં એક તોલુ સોનું આરામથી થૂંકી કે ફૂંકી નાખતો હોય છે.
🌼માવા-મસાલા –ફાકી-ગુટકા ખાતા હોય એના ગાલની બધી નસો ધીમે ધીમે સંકોચાઈને એક જાડા દોરડા જેવી થવા લાગે…આવું વ્યસન કરતો માણસ ગલોફામાં જીભ ફેરવે એટલે એને રીતસર એ ગંઠાઈ ગયેલી નસોનું દોરડું એને ફિલ થાય. જેમ જેમ એ દોરડું જાડું થતું જાય એમ એમ મોઢું ઓછું ખુલવા લાગે.
🌼આ વાત એટલે અનુભવથી કહી શકું છું, કેમ કે મેં પોતે અગિયાર વર્ષ આ વ્યસન કર્યું છે. ૧૩૫,૧૩૮,૩૦૦,૧૨૦, ૧૬૦,૯૦, દેશી એવી અવેલેબેલ કોઈ તમાકુ બાકી નહોતી રાખી જેના માવા ના ખાધા હોય. ક્યારેક ગુટકાઓ અને બુધાલાલ કે મિરાજ પણ ખાધી…એ ખાતાખાતા એક આછું આછું ગીલ્ટ હંમેશા હતું કે આ ખોટું તો છે જ.
🌼લગ્ન થયા ને 2014 ઓક્ટોબરમાં દીકરા ધ્યાનનો જન્મ થયો. ત્યારે હોસ્પીટલમાં બે પાર્સલ માવા મારા ખિસ્સામાં હતા એ હોસ્પીટલની બારીએથી ફેંકીને વ્યસન છોડ્યું તો આજની ઘડીને કાલનો દી’ એ વાતને આજે આઠ વર્ષથી વધુ થઇ ગયું. એમ લાગે કે જાણે એક બહુ મોટી ગુલામીમાંથી છૂટી ગયા.
🌼અગિયાર વર્ષના વ્યસનમાં મારા મોંમાં પણ બેઉ બાજુના ગાલે દોરડું થઇ ગયું હતું. મોઢું ત્રણ આંગળથી સહેજ ઓછું ખુલવા લાગ્યું હતું. છોડ્યા બાદ એક ડોક્ટર મિત્રને પૂછ્યું કે આ દોરડાનું હવે શું? એ મને કહે કે, “તે જેટલા વર્ષ માવા ખાધા એટલા વર્ષ એને હવે છૂટટુ પડતા લાગશે.” આજે આઠ વર્ષ થયા એ દોરડું અલમોસ્ટ ખુલી ગયું છે, મિત્રની વાત મુજબ બીજા ત્રણ વર્ષમાં સાવ ખુલી જશે. મોં ફરી સાડા ત્રણ આંગળ જેટલું ખુલવા લાગ્યું છે.
આ વાત શું બતાવે છે? શરીર બાબતે જે ભૂલો કરી છે એને રીવર્સ કરી શકાય છે. બસ એ માટે નિર્ણય શક્તિ અને સાતત્યતા જોઈએ.
🌼માવા ખાતો ત્યારે એ નહિ છોડવાની ઘણી દલીલોમાં એક સૌથી મહત્વની દલીલ એ રહેતી કે મારે એ સમયે વીકમાં એક બે નાઈટ આખી રાત કામ કરવાનું રહેતું. તો એમ કહેતો કે દિવસ તો કાઢી નાખું, રાત્રે માવા વિના કામ નહી થાય મારાથી…અત્યારે પણ દસ-પંદર દિવસે એકાદ નાઈટ એવી હોય જ છે કે હું આખી રાત કામે બેઠો હોય. રાત્રે એકાદવાર ચા સિવાય કશી જરૂર નથી પડતી. એમ થાય કે એ કેટલી પોકળ દલીલો હતી.
🌼વ્યસન છૂટી ગયાના આનંદ સાથે એક અફસોસ હજુ ય છે કે મેં અગિયાર વર્ષ આ કીચડ-આ કદડો ખાધો હતો !
🌼જેમને આવું વ્યસન નથી એ તો કોઈપણ ભાઈબંધો કે કોઈપણના કહેવાથી કે માવો સિગારેટ ધરવાથી લલચાશો જ નહિ, ખેલ બે દાણા અને બે ફૂંકથી જ શરુ થતો હોય છે. અને જેઓ ખાય કે ફૂંકે છે પણ ભલા થઈને કોઈ નથી ખાતું કે નથી ફૂંકતું એને ધરશો જ નહિ. તમે એમ કોઈ માસુમને એ ધરો છો એ તમારી સમાજસેવા મોટું પાપ છે. એ પણ આમાં ફસાય જશે અને ક્યારેય નહિ નીકળી શકે.
🌼કોઈ આવા કીચડ જેવા વ્યસન કરે છે અને છતાં તમારી પત્ની તમને પ્રેમ કરે છે, સુંદર રીતે ફીઝીક્લ થાય છે તો એ કેટલું બધું જતું કરે છે એનો તમને અંદાજ જ નથી. પ્રેમ કરવા માટે મોંનું હાઈજીન એટલું મહત્વનું છે કે જો આપણે અહી એરેન્જ મેરેજની સીસ્ટમ ના હોય તો તમને લાગે છે કે વ્યસન કરીને આવા દાંત, આવા હોંઠ, આવા ગબ્બી જેવા મોઢા વાળાને કોઈ છોકરી પ્રેમ કરવા રાજી થાય?
🌼હું છોડવામાં સફળ થયો છું એટલે ફાંકા મારું છું એવું કદાચ કોઈને લાગી શકે…પણ એ વાતનો સ્વીકાર છે જ કે કોઈપણ જુનું વ્યાસન છોડવું અત્યંત અઘરું છે. છોડતી વખતે આપણું જ દિમાગ આપણી સાથે જે બગાવત કરે છે એને નાથવું બળદ નાથવા કરવા અઘરું છે. પણ જીવનમાં એવી ક્ષણો અને એવા કારણો આવતા જ હોય છે કે ત્યારે જો નિર્ણય લેવાય જાય તો છોડવામાં એડવાન્ટેજ અને સફળતા મળવાના ચાન્સ ઘણા વધી જાય.
🌼બાકી કોઈને ફોર્સ કરવાથી વ્યસનો નથી છૂટતા, સૌએ આમાંથી છૂટવાનું પોતાનું એ કારણ અને એ ક્ષણ પકડી લેવાની હોય છે. પણ જો એકવાર એમાંથી નીકળી ગયા તો ખરી આઝાદી અનુભવાશે…