મદદ…

અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો.

“આ યોગાનંદ સ્ટ્રીટ નું ૮મું મકાન અને તમે જ આનંદ છો..?” તેણે પૂછ્યું. મેં કહ્યું, “હા, હું જ આનંદ છું. અને તમે…?”

સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, “બાબુ, હું તારા પિતાનો મિત્ર છું. હું તારા ગામથી આવું છું. તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી તને આપવા અને તારી મદદ લેવા કહ્યું છે.”

તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, “મારા પિતાએ..? “

મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી. તેમાં લખ્યું હતું,” દીકરા આનંદ, આશીર્વાદ. આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે. તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે. થોડા દિવસો અગાઉ તેના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. તેના વળતરનાં પૈસા માટે તેણે ઘણાં ધક્કા ખાધા છે. આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થશે. હું તેની સાથે પોલીસ રિપોર્ટસ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફીડેવિટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું. તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્યકચેરીમાં થશે. આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં માટે અજાણ્યો છે. હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે. તારી તબિયતનું ધ્યાન રાખજે. વહેલામાં વહેલી તકે અમને મળવા આવજે. તારા વ્હાલા પિતા. “

રામૈયાગુરુ ઉભો ઉભો મને એકીટશે આશાભરી નજરે જોઈ રહ્યો હતો. મેં એકાદ ક્ષણ માટે કઇંક વિચાર્યુ અને પછી હું તરત તેને ઘરમાં અંદર લઈ ગયો. તેને પાણી આપતા મેં પૃચ્છા કરી કે તેણે કંઈ ખાધું છે? તેણે જવાબ આપ્યો, “ના બેટા. મારી યાત્રા લંબાઈ જતાં, બે ફળ સાથે લાવ્યો હતો તે ક્યારના પૂરા થઈ ગયા.” અંદરથી હું તેના માટે ચાર ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે એ ધરાઈને ખાધા ત્યાં સુધીમાં મેં જરૂરી બે – ચાર ફોન કર્યાં.

મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળીયા તેના ખોળામાં લઈને બેઠો હતો. તેમાં તેના મૃત પુત્રનો ફોટો પણ હતો. એ જુવાન અને સોહામણો લાગતો હતો. વીસ – બાવીસ વર્ષનો યુવાન. મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયાં.

તેણે કહ્યું, “આ મારો એકનો એક પુત્ર હતો. તેના પહેલા અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતાં. મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો. તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી.અમને એવી આશા બંધાઈ હતી કે હવે તેની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીના દિવસો દૂર થશે. પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર દૂર ચાલ્યો ગયો. મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચકાટ થયો. પણ દિવસે દિવસે હું અશક્ત થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી. તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેણે મને ખાતરી આપી છે કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે.”

“કંઈ વાંધો નહીં. હવે ઘણું મોડું થઈ ગયું છે. તમે નિરાંતે સૂઈ જાઓ.” એમ કહી હું તેમના સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો.

બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા. ચા-પાણી પી અમે વળતર મળવાનું હતું એ ઓફીસ પહોંચી ગયા. રમૈયાગુરુએ મને કહ્યું, “આનંદ, મને અહીં સુધી પહોંચાડયો એ બદલ તારો ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા. આગળનું કામ હું જોઈ લઈશ.”

મેં તેને કહ્યું, “મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહી તમારું કામ પતાવી આપીશ.”

પછી આખો દિવસ થોડા ઘણાં ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા.

વૃદ્ધ રામૈયાગુરુએ મને અંતરથી આશિર્વાદ આપતા કહ્યું, “દીકરા તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ..? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે અને હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં.”

“ચાલો હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં” કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડા ફળો આપી વિદાય કરવા આવ્યો.

જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભારવશતાની લાગણી હતી એ મારા હ્રદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, “આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં એક દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું, હું તારા આ ઉદાર કૃત્યની વાત જતાવેંત તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ.”

મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, “હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી. હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આનંદનું ઘર મારા ઘરથી બીજા બે કિલોમીટર આઘું છે. પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આનંદની પત્નીએ મને જણાવ્યું કે એ કંઈક કામ માટે બહારગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવી તો તે ભારે ઉદાસ થઈ ગયા હતા. પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું.તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકવાનું નથી. પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વારા અનહદ ખુશી મળી છે.”

મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે મને મૂંગા મૂંગા જ આશિષ આપ્યાં અને બસ આવી જતાં વિદાય લીધી. મારા માટે તેમના આશિર્વાદ ખૂબ કિંમતી હતાં. મારા પિતા તો પંદર વર્ષ અગાઉ જ પરમધામે સિધાવી ગયા હતા પણ રામૈયાગુરુ ને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ત્યાં ક્યાંક હશે. મેં કહ્યું, “પિતાજી, તમે મારા જીવનમાં હું કેટલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને? પત્ર લખીને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં. તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈ મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને..? “ મારી આંખોમાં પણ ઝળઝળિયા હતાં, હર્ષ નાં!

મદદ કરવાની ભાવના રાખો, માર્ગો ઉભા થઈ રહેશે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s