ગત શનિવારે ૧૨ તારીખે મારા એક પેશન્ટના ગ્રાંડમધર જેઓ એક વૃધ્ધાશ્રમ સાથે સંકળાયેલા છે તેમનો ફોન આવ્યો કે કાલે (રવિવારે) તમે થોડો સમય કાઢીને આશ્રમે આવો, અમે બધા જ વડીલોના B12 અને D3 ના બ્લડ રીપોર્ટસ કઢાવેલા છે. ૨૬ વડીલો છે. તમે બધાના રીપોર્ટસ જોઈ લો. જરુરી દવા અને સલાહસૂચન કરો.
રવિવારે બપોરે હું આશ્રમ પહોંચી ગયો. મારા માતાપિતા સમાન વડીલોને મળી તેમના બધાના રીપોર્ટસ જોઈ તેમને દવા અને ખોરાક વિશે સમજાવ્યું. આ મુલાકાત સાથે મારા મનમાં વર્ષોથી વૃદ્ધાશ્રમના વડીલો માટે એક પ્રશ્ન સતાવતો હતો તેનો જવાબ શોધવા પણ મેં પ્રયત્ન કર્યો. મારા મનમાં પ્રશ્ન હતો કે, ‘તમને શું લાગે છે કે કઈ વસ્તુને લીધે તમારે અહીં આવવું પડ્યું?’ મને જે જવાબ મળ્યો તેનું તારણ માત્ર વડીલો માટે જ નહીં પણ યુવાન પતિ-પત્ની અને આપણા બધા માટે પણ માનવીય સબંધોના હાર્દને સમજવા જેવું છે.
વીસ જેટલા વડીલોએ જવાબ આપ્યો. જેઓ બે વર્ષથી ઓછા સમયથી આશ્રમમાં હતા તે લોકો હજુ ગુસ્સામાં હતા અને અહીં આવવા માટે તેઓના સ્વજનને જ કારણભૂત ગણતા હતા. જેમને બે વર્ષથી વધુ સમય થયો હતો તેમને તેમની ભૂલનું અને જીવનનું સત્ય સમજાઈ ચુક્યું હતું.
“અમારે અહીં આવવું પડ્યું તેનું કારણ અમે અમારા કુટુંબીજનો પાસે વધુ અપેક્ષા રાખી તે જ હતું. અપેક્ષા સાથે અમે તેમને બદલવા માંગતા હતા. અપેક્ષા સાથે તેઓ અમારા વિચારો પ્રમાણેનું જીવન જીવે તેમ ઈચ્છતા હતા. અમારી એક અપેક્ષા પૂર્ણ થાય અને તરત અમે બીજી અપેક્ષિત માંગણી શરુ કરી દેતા હતા. અમારા કુટુંબીજનો અને સંતાનોને જેવા છે તેવા સ્વીકારવામાં અને જે મળ્યું છે તેનો આનંદ લઈ જીવન આગળ વધારવામાં અમે કાચા પડ્યા અને અમારે અહીં આવવું પડ્યું. જો ઈશ્વર ફરી તક આપે તો અમે અમારી ભૂલ સુધારી ફરી જીવનનો આનંદ લેવા તૈયાર છીએ.”
તૂટેલા સબંધો સાંધવાની તક વધુ અપેક્ષાઓ રાખનારને ઓછી મળે છે. અપેક્ષા અને શરતો વધે ત્યાં વિસ્તરેલા સબંધોનું સંકોચન શરુ થઇ જાય છે. વધુ અપેક્ષા રાખનાર વ્યક્તિઓ શરીર પર થયેલા ગુમડા સમાન હોય છે. ધીરે ધીરે શરીર જ તેને પોતાનાથી દુર કરી દે છે. ‘અમે તેમના માટે આટલું બધું કર્યું તો એ અમારા માટે આટલું પણ જતું ના કરે’ વડીલોનો આ વિચાર સપૂર્ણ પણે સાચો છે, પણ એ વિચાર એટલો બધો જાયન્ટ ના થઇ જવો જોઈએ કે જેની સાઈઝ નીચે સંતાનોની સ્વત્રંત્રતા છીનવાઈ જાય.
એક વડીલે પોતાની વાત કહી. “મને મહિને ૨૨,૦૦૦ રૂ પેન્શનના આવતા હતા. હું એમ આગ્રહ રાખતો કે બધા જ પેન્શનની બચત થાય જે ભવિષ્યમાં સંતાનોના કામમાં જ લાગે અને હું છોકરાના પૈસા વાપરું. મારા આવા વર્તનને લીધે ધીરે ધીરે મારા પોતાના જ પારકા થઇ ગયા. મેં મારું જ પેન્શન બચાવવાને બદલે મારા, મારા સંતાનો અને પૌત્રો માટે વાપર્યું હોત તો મારે અહીં આવવાનો વારો ના આવત.” અન્ય વડીલોમાંથી એકને પોતાના પુત્ર અને પુત્રવધુ માટે સવારે ઉઠવા માટેના સમય માટે તકલીફ હતી, એક બા ને પોતાની વહુ વાંરવાર પિયર જતી તે તકલીફ હતી. મોટાભાગનાની તકલીફો સંતાનોની જીવનશૈલીમાં વધુ પડતું માથું મારવું ત્યાં જ આવી અટકતી હતી.
પોતાના જ માણસો પાસેની વધુ પડતી અપેક્ષા કોઈ એક ચોક્કસ તબક્કા સુધી બધાને માટે સહન થતી હોય છે. અપેક્ષાઓનો ભાર જ્યારે બોજ બની જાય અને સહનશક્તિનો અતિરેક આવી જાય ત્યારે સબંધો વચ્ચેની કડવાશ સબંધોના પૂર્ણવિરામ સુધી પહોંચે છે. વડીલો પોતાના સંતાનોને સલાહસૂચન ના આપી શકે તેવી વાત નથી પણ ટુંકાણમાં પોતાનું સૂચન જણાવી પછી સંતાન પોતાની રીતે નિર્ણય લે તેવી સ્વત્રંત્રતા તેને આપવાથી વાત આગળ ના વધે. પણ પોતાના કહ્યા પ્રમાણે જ અને પોતાની ઈચ્છા પ્રમાણે જ ઘરમાં થવું જોઈએ તેવી વર્તણુક રાખનાર વડીલો સમય જતા એકલા પડી જતા હોય છે.
ઈશ્વરે આપણને બે પ્રકારના સબંધો આપેલા છે. મેળવેલા સબંધો (કુટુંબીજનો) અને કેળવેલા સબંધો (મિત્રો, સગા અને પડોશીઓ). મેળવેલા સબંધોમાં જ અપેક્ષાઓ વધુ હોય છે. મેળવેલા સબંધોમાં જે છે તે સ્વીકારી તેમાં જ રહેલી શ્રેષ્ઠ વસ્તુને સ્વીકારી જે લોકો આગળ વધે છે તે લોકો જીવનનો શ્રેષ્ઠ આનંદ લઇ શકે છે. મેળવેલા સબંધોમાં અપેક્ષા ઝેરી તત્વ છે. એકબીજાની અપૂર્ણતા સ્વીકારવામાં પણ એક આનંદ હોય છે. મિત્રતા એટલે તો વર્ષો સુધી ટકે છે. પોતાના માણસ મિત્ર નથી તે પોતાના માણસનો વાંક નથી પણ પોતાના માણસમાં મિત્રતાના દર્શન નહીં કરી પોતે દુખી થઈ પીડા વહોરી લેવાની પોતાની જ વૃતિ તકલીફોનું કારણ હોય છે. જે વ્યક્તિઓ પોતાની જ વ્યક્તિઓની અપૂર્ણતાને અવગણી શકતા નથી તેમની અપેક્ષાઓ જ તેમને પોતાનાથી છુટા પાડતી હોય છે.