જિંદગી જીવવા જેવી લાગે છે !

લોન ઉપર લીધેલી
ખુશીઓના હપ્તા
ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને –
“ભરાઈ જશે” એવું કહે…
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !

ના પાડ્યા પછી પણ

પરાણે એક કોળીયો મોઢામાં મૂકી,
કોઈ નજીકનો ખાસ મિત્ર
” ખવાય જશે ” એવું કહે…
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !

જ્યારે વર્ષો જુનો મિત્ર
ફોન કરીને કહે કે –
“ચાલને યાર,
એક વાર પાછા ‘મળીએ’…”
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !

જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિર માં
એક ‘પ્રાર્થના’ સાંભળીએ…
ત્યારે જિંદગી
જીવવા જેવી
લાગે છે !

બે ટંક અનાજ માટે
ફૂટપાથ પર બેસીને,
‘ફૂલો વેચતી’ કોઈ બીજા
ની જિંદગી જોઈએ…
ત્યારે આપણી જિંદગી
જીવવા જેવી
લાગે છે !

હોસ્પિટલના ખાટલા પર
‘ મૃત્યુ સામે’ તલવારો ખેંચતી,

કોઈ બીજાની જિંદગી જોઈએ…
ત્યારે આપણી જિંદગી
જીવવા જેવી
લાગે છે..

ટેન્શન નહીં લે.. હું છું ને
તારી સાથે, તેવું કોઈ કહે
ત્યારે આપણી જિંદગી
જીવવા જેવી
લાગે છે..

👉 આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર 😊
‘સ્મિત’ આવી જાય…
ત્યારે મને
મારી જિંદગી
જીવવા જેવી
લાગે છે…

અભણ માઁ

દીકરા નું 12 મા નું પરિણામ આવ્યું….

પપ્પા બોલ્યા વાહ બેટા સરસ….

રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ મા લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો, ” એ સાંભળે છે? , આપણો દીકરો 12 માં ધોરણ માં 90% સાથે પાસ થયો છે…”

તેની પત્ની દોડતી-દોડતી આવી.. બોલી બતાવો મને પરિણામ!

દીકરો બોલ્યો એ English માં છે, મમ્મી તું અભણ છે ને, તું રેવા દે, તને નઈ ખબર પડે..

માઁ ની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શકી..


ત્યારે તેના પપ્પા બોલ્યા;

” બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં તારી મા ને ગર્ભ રહ્યો હતો, મેં કહ્યું ચાલ abortion કરાવી લઈએ, હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે,

તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે.”

તારી માઁ ને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે અભણ છે…

તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા એ પોતે 5 વાગ્યા માં જાગી ને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી , કારણ કે તે અભણ છે…

તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જ માં મૂકી, હળવેક થી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે અભણ છે…

આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ છે…

તું નાનો હતો ને ત્યારે રાત્રે બોવ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામ માં વળગી જાય, કારણ કે તે અભણ છે…

તને સારા કપડાં પેહેરાવવા તે પોતે સસ્તી સાડી માં ચલાવી લેતી, કારણ કે તે અભણ છે….

બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી માઁ એ આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો, તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી…. તેથી હું ગર્વ થી કહું છું કે મારી જીવનસંગીની અભણ છે…

દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો:

” માઁ ” હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવન ને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે…

જે શિક્ષક નો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો…

માઁ આજે 90% સાથે પણ હું અભણ છું, અને તારી પાસે આજે phd. થી પણ ઉંચી ડિગ્રી છે…

કારણ કે આજે મેં અભણ માઁ ના સ્વરૂપ માં ડોક્ટર, શિક્ષક, સારી સલાહકાર (વકીલ), મારા કપડાં ને સિવતી ડિઝાઈનર અને બેસ્ટ કૂક વગેરે ના દર્શન કર્યા છે…..

માસ્તર સાયેબ….

ચમનલાલ સાહેબને ગામ આખું “માસ્તર સાયેબ”કઈને સંબોધે.નવી નોકરીની શરૂઆત જ આ ધનપુરા ગામથી કરેલી.આમ તો ચમનલાલનું મૂળ વતન દશ કિલોમીટર દુર પરંતુ વતનમાં બાપદાદાદાની કોઈ લાંબી માલ મિલ્કત તો હતી નહીં એટલે આ ગામને જ વતન બનાવી દીધું.વતનની રહેઠાણની થોડી જમીન પણ બે નાના ભાઈઓને આપી દીધી.શિક્ષકનો જીવ એટલે દુનિયાદારી એને શીખવવાની ના હોય! બન્ને નાના ભાઈઓને પગભર કરીને પછી જ એમની જાતનું વિચાર્યું. આમ તો એક હાથે તાળી ના પડે! એમનાં ધર્મપત્ની જયાબેન પણ ચમનલાલના વિચારોનાં.
ધનપુરામાં ચમનલાલનાં માનપાન ઘણાં ઉતમ.માનપાન ઉતમ કેમ ના હોય!જ્યારથી આ ગામમાં નોકરીમાં લાગ્યા એ દિવસથી જ શિક્ષણમાં જીવ રેડી દીધો. શિક્ષણ તો એમની ફરજનો ભાગ હતો પરંતુ એ ઉપરાંત ગામમાં કોઈ પણ કામ હોય, કાગળ-પત્ર, અરજી, દસ્તાવેજ, ખેતીવાડી કે ભાગીયાનો હિસાબ, લગ્નની કંકોતરી કે પછી મુહૂર્ત -ચમનલાલ સાહેબ હાજર.
તો જયાબેન! શિક્ષણથી વંચિત મોટી દિકરીઓ, વહુવારુઓને અક્ષરજ્ઞાન આપવામાં સતત પ્રયત્નશીલ. ગામની શાળામાં એકથી ચાર ધોરણ ચમનલાલ એકલે હાથે ભણાવે તો ઘેર દિકરી વહુવારુઓનો મેળાવડો.ગામમાં આર્થિક રીતે નબળા પરિવારોમાં સુવાવડનો પ્રસંગ હોય ત્યાં જયાબેન ઘી, ગોળ, ભૈડકુ લઈ ને પહોંચી ગયાં હોય.જરુર લાગે તો બે પાંચ રૂપિયાની મદદેય કરતાં આવે.
આવાં પરોપકારી દંપતિની કદર ગામે પણ કરી.ગામલોકોએ પંચાયતની જમીન ચમનલાલ સાહેબને ફાળવી આપી.ઘર બનાવીને ચમનલાલે આ ગામને જ વતન તરીકે અપનાવી લીધું.પંદર વર્ષ વીતી ગયાં આ ગામમાં.સંતાનમાં એક માત્ર દિકરી જાગૃતિ.જે દશમા ધોરણમાં અભ્યાસ કરે .
જયાબેન અચાનક બિમાર પડ્યાં.બિમારી લાંબી ચાલતાં શહેરમાં દવાખાને દાખલ કર્યાં જયાં બ્લડ કેન્સરનું નિદાન થયું.ચમનલાલ જેવો કર્મનિષ્ઠ વ્યક્તિ મન, હ્રદયથી પડી ભાગ્યો.આ અણધારી આફતને જીરવ્યા સિવાય છૂટકો નહોતો. જયાબેનને પણ ખ્યાલ આવી ગયો કે, લાંબુ જીવી શકાશે નહીં.
એક દિવસ જયાબેને ચમનલાલને કહ્યું, ‘જાગૃતિના બાપુ! જન્મ અને મરણ તો પ્રભુના હાથમાં છે.આમ હતાશ થયે શું વળશે? જાગૃતિ માટે કરીને પણ તમારે અડીખમ રહેવું પડશે.હવે તો તમે જ દિકરીનું સર્વસ્વ છો.એની આંખમાંથી ક્યારેય આંસુ નહીં પડવા દો એ તો મને વિશ્વાસ છે પરંતુ મારે વિનંતિથી બે શબ્દો તમને કહેવા છે.
ચમનલાલ વધારે ઢીલા થઈ ગયા છતાંય કઠણ કાળજું કરીને બોલ્યા, બોલ જાગૃતિની મા, શું આદેશ છે મને? ‘જયાબેન બોલ્યાં, ‘તમારી ઉંમર હજી પાંત્રીસ છત્રીસ છે.દિકરી તો પરણીને કાલ સાસરે ચાલી જશે.એકલવાયું જીવન બહું વસમું હોય છે.તમને અને દિકરીને સાચવે એવું કોઈ મળી જાય તો સંસાર માંડી લેજો.મારા આત્માને શાંતિ થશે.આ ગામના ચારેય હાથ માથે છે છતાંય ઘડપણ વસમું હોય છે.મારી વિનંતી પુરી કરશો ને?’ચમનલાલનો હાથ હાથમાં લઈને જયાબેન બોલ્યાં, ‘વચન આપો મને.’
ચમનલાલ એટલું જ બોલ્યા,’જેવા વિધિના લેખ!આ બાબતે દિકરીને જરુર જણાવીશ પરંતુ એ બધી ભવિષ્યની આળપંપાળને છોડો.તમને કંઈ થવાનું નથી.’
જયાબેનને સારુ લગાડવા ચમનલાલ “તમને કંઈ નથી થવાનું “-બોલ્યા તો ખરા પરંતુ એમનેય ખબર જ હતી કે શું થવાનું છે. ‘
જયાબેને મોં પર હાસ્ય લાવીને ચમનલાલ સામે હાથ જોડ્યા ને બોલ્યાં, ‘જાગૃતિને અત્યારે કંઈ જણાવતા નઈ.’
જાગૃતિ તો મા બિમાર પડી એ દિવસથી જ બેચેન રહેતી હતી.સદા હસમુખો ચમનલાલનો ઉદાસ ચહેરો જોઈને એ સતત પૃચ્છા કરતી કે મારી માને શું થયું છે પરંતુ માબાપે આજ સુધી આ વાત કહી જ નહીં અને એટલે તો એણે છાનીછાની આજે માબાપની વાતચીત સાંભળી લીધી હતી.
જાગૃતિનો આશય તો માત્ર માનું દર્દ જાણવાનો હતો પરંતુ આજે જે એણે સાંભળ્યું એ તો ઘણું કષ્ટદાયક હતું એના માટે.માબાપના સંસ્કાર તો એનામાં ભરપૂર હતા જ અને એટલે જ તો આંખમાંથી વહી રહેલાં આંસુને તરત જ લુંછીને “બાપુજી”-એવો ટહુકો કરીને માબાપ સામે હાજર થઈ,એ આશયે કે માબાપનું દર્દ વધારે બહાર ના આવે!
બે મહિનામાં જયાબેન હર્યોભર્યો પરિવાર અને માયાળું ગામને છોડીને સ્વર્ગે સિધાવી ગયાં.આખુ ગામ હિબકે ચડ્યું.ચમનલાલ ગમગીન થઈ ગયા. દુઃખને જીરવવા સિવાય કોઈ આરો નહોતો.જાગૃતિને માટે મા ગણો કે બાપ -ચમનલાલ જ હતા.
બેવડી જવાબદારી નિભાવીને ચમનલાલે જાગૃતિને પીટીસી પાસ કરાવી દીધું.એને યોગ્ય પાત્ર શોધીને સગપણ પણ કરી દીધું.વિશાલ ધનપુરા ગામથી દશેક કિલોમીટર દુર તારાનગરનો વતની છે અને નજીકના કમાલપુર ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે એની સાથે ધામધૂમથી લગ્ન થયાં.આખુ ધનપુરા ગામ કન્યાપક્ષ બન્યું.અને આખા ગામ વતી ગામના મુખીએ કન્યાદાન કર્યું.
ગૌધૂલીના સમયે જાગૃતિની વિદાય ઘડી આવી પહોંચી.જાગૃતિ અને ચમનલાલના બંધ છુટી ગયા.જયાબેનના વિરહની વેદના આજે પ્રથમવાર જાહેરમાં છતી થઇ.

બાપ દીકરીનું એ વિદાય મિલન આખા ગામને રડાવી ગયું.ઘડીભર તો બાપ દિકરીને છૂટાં કરવાની હિંમત કોઈનીયે ના ચાલી.વિદાયનું ચોઘડિયું ચાલ્યું ના જાય એનું ભાન થતાં મુખી બોલ્યા, ‘માસ્તર! આમ ગાંડા ના થાઓ! આખુ ગામ તમારો પરિવાર છે ને જાગૃતિ આખા ગામની લાડકી દિકરી છે. ‘
વાસ્તવિકતાનું ભાન થતાં ચમનલાલ દિકરીને માથે હાથ મુકીને છુટા પડ્યા.
લગ્નના બે મહિના બાદ જ જાગૃતિને કમાલપુર ગામમાં જ શિક્ષિકા તરીકે નિમણૂક થઇ.બન્ને પતિ પત્ની તારાનગરથી અપડાઉન કરે. રવિવારે જાગૃતિ અને વિશાલ ધનપુરા ફરજીયાત આંટો મારે….
ચમનલાલ કર્મનિષ્ઠ માનવી એટલે રસોઈથી માંડીને કપડાં, વાસણ -બધું જાતે કરે.ગામની બહેનો, દિકરીઓ મદદ માટે વિનંતી કરે પરંતુ ચમનલાલ હાથ જોડીને પ્રેમ સહિત સૌને કહે,’જ્યાં સુધી કામ કરી શકું ત્યાં સુધી મને કરવા દો, ઘરડો થઈને તો તમારે સહારે છું જ ને!
જાગૃતિ ધોરણ સાતની વર્ગ શિક્ષક.વર્ગમાં હાજરી પૂરી રહી હતી. વારાફરતી વિદ્યાર્થીઓ જયહિન્દ કહીને હાજરી નોંધાવી રહ્યા હતા.જાગૃતિ હાજરીની સાથે ગણવેશની નોંધ લઈ રહી હતી.વારો આવતાં એક વિદ્યાર્થિની ઉભી થઈ. જાગૃતિની નજર એના પર પડી. ગણવેશ પહેરેલો નહોતો.
બેટા કેમ ગણવેશમાં નથી? વિદ્યાર્થીની ચૂપચાપ બોલ્યા વગર ઉભી જ રહી પરંતુ વર્ગમાંથી બીજા અવાજો આવવા લાગ્યા, ‘બેન! એને પપ્પા નથી, કોણ લાવી આપે? ‘બેન એ ખુબ ગરીબ છે.”બેન એને તો ભાઈ પણ નથી, ભમરાળી છે. ‘ જાગૃતિ સમસમી ગઈ.જાગૃતિએ આખા વર્ગનાં બાળકોને શાંત કર્યાં અને કહ્યું, ‘જુઓ !એ તમારા સૌની બહેન છે અને હવે પછી કોઈ ભાઈ વગરની કે ગરીબ છે એવું નહીં કહે.જુઓ! ભાઈ તો મારે પણ નથી,શું તમે મને ભમરાળી કહેશો?
જાગૃતિની છાપ આ શાળામાં હોશિયાર અને માયાળું શિક્ષક તરીકેની હતી એટલે વર્ગનાં બધાં જ બાળકો ઉભાં થઈને વારાફરતી કહેવા લાગ્યાં, ‘માફ કરો બહેન! અમે હવે ભૂલ નહીં કરીએ.’પરંતુ ખુદ જાગૃતિના મનમાં ખટકો થયો, ભાઈ તો મારેય નથી.એને એના પિતાજીનો ભવિષ્યકાળ દેખાવા લાગ્યો.પિતાજીના ઘડપણની લાકડી કોણ?સાથે સાથે છાની રીતે સાંભળેલ માબાપની વાતચીત યાદ આવી.મા એ પિતાજી પાસે કરેલ વિનંતી યાદ આવી.”જાગૃતિને જરુર જણાવીશ” પિતાજીએ કહેલ એ શબ્દો યાદ આવ્યા.
થોડીવારે વિચારો ખંખેરીને બાળકોને ભણાવવામાં મન પરોવ્યું.બપોરે વિશ્રાંતિમાં ગણવેશ વગરની દિકરીને જોતાં જ જાગૃતિને વાલી મુલાકાત કરવાનું મન થયું. ‘ગામમાં એક ઘેર વાલી સંપર્ક કરીને પછી આવીને નાસ્તો કરીશ, તમે હાલ નાસ્તો કરી લો .’-વિશાલને કહીને જાગૃતિ પેલી દિકરી સાથે એના ઘેર પહોંચી.નાનકડા ઘરમાં પાંત્રીસેક વરસની વિધવા સ્ત્રી લાલ મરચાં ખાંડી રહી હતી.જાગૃતિને જોતાં જ એ ઉભી થઈ ગઈ.આવો બહેન! મારી આ આશા દિકરી તમારાં ખુબ વખાણ કરે છે.ખાટલો ઢાળતાં ઢાળતાં જ આગળ બોલી. તમે ખુબ સારું ભણાવો છો એવું આશા કાયમ કહે છે.આજે તમે મારા ઘરે આવ્યાં! અમને ખુબ આનંદ થયો. બેસો બેન હું દૂધ લાવીને ચા મુકું.
‘ રહેવા દો બહેન,હું ચા નથી પીતી તમે મારી પાસે આવીને બેસો.’-જાગૃતિ બોલી.
‘મારી આશાનો કંઈ ઠેસ ઠબકો છે બેન?’
જાગૃતિએ આશાને પુછ્યું, બેટા તારી મમ્મીનું નામ શું છે?
સંગીતાબેન …..
‘હા, તો સંગીતાબેન! તમારી દીકરી ખુબ હોશિયાર છે. હું કંઈ ઠેસ ઠપકા માટે નહીં પરંતુ આશાને ગણવેશ લાવવા માટે પૈસા આપવા આવી છું.તમે ના કહેતાં નઈ.’
‘માફ કરજો બેન, એને ગણવેશના પૈસા તો નિશાળમાંથી મળ્યા હતા પરંતુ એ બિમાર થતાં અડધા પૈસા દવામાં ખર્ચાઈ ગયા એટલે એક જ જોડી ગણવેશ લાવી શકી.આજે આ મરચાં ખાંડવામાં સમય થઈ ગયો એટલે ગણવેશ ધોવામાં મોડું થઈ ગયું એટલે ગણવેશ વગર જ મોકલી દીધી. આ મહિનો પૂરો થતાં જ વિધવા સહાયના પૈસા આવશે એમાંથી બીજી જોડ ગણવેશ શીવડાવી દઈશ. તમે આ પૈસા આપવાનું રહેવા દો.તમે એને ખુબ સારી રીતે ભણાવો છો એ જ અમારા માટે ખુબ સારું છે ‘
ઘણા પ્રયત્નો છતાંય જાગૃતિની આંખો ભીંજાઈ ગઈ. સંગીતાને ભેટી પડી જાગૃતિ.
લાગણી જોઈને સંગીતાનું હ્રદય ખુલી ગયું. સંગીતા બોલી, ‘બેન !આ તો કરમનાં લેખાં જોખાં છે.હુંય દશ ધોરણ ભણેલ છું.ગરીબ માબાપની દિકરી એટલે લાંબું તો ક્યાંથી ભણું?પરણીને આ ઘરે આવી ત્યારે સુખ જેવું જરુર દેખાયું.આશાના પપ્પા સારુ એવું કમાતા હતા.ભગવાને આશા જેવી દિકરી આપી.પરિવાર હર્યોભર્યો થયો ત્યાં તો દુઃખ વિજળી બનીને ત્રાટક્યું.આશાના પપ્પા મોટર સાયકલ પર આવી રહ્યા હતા. રોડ ઉપર કોઈ અજાણ્યો વાહનચાલક અકસ્માત કરીને જતો રહ્યો. પંદર દિવસ ડોકટરોએ ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ આખરે ના થવાનું થયું.
‘માયા મૂડી દવાખાને ખર્ચાઈ ચૂકી હતી એટલે તો અંતિમ શ્વાસે કહીને ગયા કે, તારો અને દિકરીનો વિચાર કરીને સારુ ઠેકાણું શોધી લેજે.એ વાક્ય એક પળ પણ ભુલાતું નથી બહેન. સતર સતર વરસના લગ્ન જીવનને કઈ રીતે ભુલીને બીજું ઘર માંડું બહેન! આખું ગામ અમારી જોડીને વખાણતું હતું.એમનો સ્વભાવ તો અડધી રાતે ઉભા થઈનેય બીજાંને મદદ કરવાનો હતો.આજે એ જ ગામમાં કેટલાંય “ભમરાળી “કહીને મશ્કરીઓ કરે છે. ‘

મને કોઈ ગમે તે કહે એની ચિંતા નથી પરંતુ અમારા બન્નેના સ્નેહની આ નિશાની આશાની ચિંતા મને સતાવે છે. કાલે બીજું ઘર કરુ પણ મારી આશાનું કોણ? આશા તો આંગળિયાત જ ગણાયને? એટલે જ મહેનત મજુરી કરીનેય જીવતરનું ગાડું ચલાવ્યે રાખું છું.
માફ કરજો બેન! મારી વેદના તમારી આગળ ઠાલવી છે. આખું ગામ તમારાં વખાણ કરે છે એટલે કદાચ મારુ દર્દ તમારી માણસાઈ આગળ છતું થઈ ગયું. ‘
‘મારી મા બનશો સંગીતાબેન? તમારી ઉંમર પાંત્રીસ વર્ષ છે તો મારા પિતાજીની ઉંમર પિસ્તાળીશ.દશ વર્ષનો ઉંમરમાં તફાવત છે પરંતુ તમારા વિચારો અને સંસ્કારો એને સરભર કરનારા છે.’
જાગૃતિએ પોતાના પરિવારનો ઈતિહાસ શરૂઆતથી જ સંગીતાબેનને કહી સંભળાવ્યો.અંતમાં કહ્યું, પિતાજી આ બાબતે બીલકુલ અજાણ છે. ‘આ માત્ર મારુ ધ્યેય છે ને એ ધ્યેય પુરુ થશે જ એવો મને પાક્કો વિશ્વાસ છે. ‘
સંગીતાબેન નિરૂતર હતાં…..
જાગૃતિ સંગીતાબેનના ચરણસ્પર્શ કરીને નિકળી ગઈ. થોડે દૂર પહોંચીને અચાનક પાછળ નજર નાખી.
સંગીતાબેન હાથ ઉંચો કરીને “આવજો” કહીંં રહ્યાં હતાં.
રવિવારે જાગૃતિ અને વિશાલ સવારે સાત વાગે ધનપુરા પહોંચી ગયાં.પિતાજીને વંદન કરીને જાગૃતિ આખા ગામમાં ફરી વળી.સવારે નવ વાગ્યે તો ગામના વડીલો ચમનલાલ સાહેબના આંગણામાં આવી ગયા. ચમનલાલ તો નિયમિત સવારે ધ્યાન, પૂજા અને ગીતા પાઠમાં મગ્ન એટલે જાગૃતિ અને વિશાલને આવકાર તો આપેલો પરંતુ આ બધા વડીલો એકઠા થયા એનાથી સાવ અજાણ.
બેટા! આ ગામના વડીલોને કેમ ભેગા કર્યા છે?
બાપુ તમે બેસો, હું બધી વાત કરુ છું.
જાગૃતિએ વડીલોને વંદન કર્યા અને બોલી, ‘મારા સૌ વંદનિય વડીલો. આજે હું તમારા સૌની લાડકી દિકરી મારા બાપુજી માટે એક પ્રસ્તાવ લઈને આવી છું. એ પ્રસ્તાવને સૌ વધાવી લેશો અને એ પ્રસ્તાવ મારા બાપુજી સ્વિકારી લે એ માટે સૌ સમજાવશો.’
ચમનલાલ બોલ્યા, ‘શાનો પ્રસ્તાવ છે બેટા? ‘
થોડા સંકોચ અને ભીની આંખે જાગૃતિએ છાની રીતે સાંભળેલ વાતચીત વડીલોને કહી સંભળાવી સાથે સાથે સંગીતાબેનની હકીકત પણ……
ચમનલાલે દિકરીના માથા પર હાથ મુકીને કહ્યું, ‘બેટા તેં તો મને ધર્મ સંકટમાં મુકી દીધો! મારુ લક્ષ્ય તો પ્રભુ ભજન અને આ ગામની થાય એટલી સેવાનું જ રહ્યું છે શિક્ષણ અે તો મારી પવિત્ર ફરજ છે.ક્યાંય એમાં અડચણ ઊભી થઈ તો હું મારી જાતને માફ નહીં કરી શકુ.’
‘બાપુજી હું તમારુ સંતાન છું,તમારા આપેલા સંસ્કારો મારા લોહીમાં વહે છે.હું જે પ્રસ્તાવ લઈને આવી છું એ ઘણું જોઈ, જાણી અને વિચારીને લઈને આવી છું.’જાગૃતિ એકદમ ભાવુક હ્રદયે જેમ તેમ કરીને આટલું બોલી ગઈ.
‘વાહ દિકરી વાહ! તેં તો આખા ગામની લાગણીને સુપેરે વ્યક્ત કરી છે.જયાબેનના ગયા પછી માસ્તર સાયેબ ઘરકામથી માંડીને બધાં જ કામ જાતે કરતા હતા.કોઈ પણ પ્રકારની મદદ સ્વિકારવા તૈયાર ના થયા તે ના જ થયા એટલે ઘણીવાર અમે બધા વડીલો આ બાબતે માસ્તર સાયેબને કહેવા માંગતા હતા પરંતુ અેમની આગળ રજુઆત કરવાની અમારા કોઈની હિંમત ના ચાલી.આજે ભગવાને અમારી લાગણીને ધ્યાને લીધી છે.’-મુખી ભાવવાહી સ્વરમાં આટલું બોલતાં બોલતાં તો રડી પડ્યા.બેઠેલ સૌ વડીલો પણ એ જ સ્થિતિમાં હતા.વાતાવરણ ગમગીન બની ગયું.
છેવટે ચમનલાલ બોલ્યા,’હરિ ઈચ્છા બળવાન!’
ચમનલાલના એક જ વાક્યે સૌના મોં પર ખુશી લાવી દીધી.જાગૃતિ અને વિશાલ ચમનલાલને ભેટી પડ્યાં.
અત્યારે જાગૃતિને બે સંતાન છે.આશા પરણીને એના સાસરે છે.સંગીતાબેન ધનપુરામાં ખુલેલ નવી આંગણવાડીમાં કોઈપણ જાતના પગાર વગર નાનાં નાનાં ભૂલકાંઓને સંસ્કાર શિક્ષણના પાઠ ભણાવી રહ્યાં છે.એ ભૂલકાંઓમાં એક ચાર વર્ષનું ભૂલકું કાલી ઘેલી ભાષામાં દરરોજ એક જોડકણું ગવડાવી રહ્યું છે……
ચાલો બાલકો ઘલ ઘલ લમીએ,
સાથે જમીએ સાથે ભનીએ.
ખુશીઓ કેલાં ગુંજાં ભલીએ,
દુ:ખ દલ્દને વેચી લઈએ.
ચાલો બાલકો ઘલ ઘલ લમીએ……..
હા, એ સંગીતાબેન અને ચમનલાલ સાયેબની ઘડપણની લાકડી “મિલન” છે.
ચમનલાલ તો નિવૃતિના આરે હોવા છતાં એ જ લગન, એ જ ધૂનથી શિક્ષણ સાધના અને સેવાકાર્યોને પ્રજ્વલિત કરી રહ્યા છે.

કુરિયર બોયની અદ્ભુત માનવતા

“સહયોગ કુરિયર એન્ડ પ્રાઈવેટ લીમીટેડ” ની તાલુકા કક્ષાની ઓફિસમાં સંકેત પટેલ ટેબલ પર બેઠો બેઠો આવેલ કુરિયરના મથાળા વાંચી વાંચીને વિતરણના રૂટ પ્રમાણે ગોઠવતો હતો.

“છગન ધનજી , મોટી ફળી

“જાદવ જેઠા , મેઈન બજાર

“ગોરધન ઉકા એસબીઆઈ વાળો ખાંચો

“નાનજી ઝવેર અવેડા ગેઇટ

“બીના પંડ્યા , તાલુકા શાળા

“નથુ રણછોડ મુ, ભગુડી ચોરા પાસે’ અને એ કુરિયર સામે એ સંકેત જોઈ રહ્યો, એ કુરિયર ને બાજુમાં મૂકી દીધું અને ત્રણ દિવસ પહેલાની વાત યાદ આવી ગઈ.

ત્રણ દિવસ પહેલા સંકેત કુરિયર ઓફિસેથી ડીલીવરી દેવા માટેની તૈયારી કરતો જ હતો અને ફોન રણક્યો. કુરિયર ઓફિસનો મેનેજર ગુપ્તા બાજુના ગલ્લે પણ મસાલો ખાવા ગયો હતો, સંકેતે ફોન ઉઠાવ્યો.મુંબઈની ભાયખલાની ઓફિસેથી ફોન હતો. હેલ્લો સહયોગ કુરિયર હું અજય બોલું છું. અહી મેઈન ઓફિસેથી કુરિયર લેતા નથી અને એમ કહે છે કે ભગુડી ગામે તમારું કુરિયર કોઈ દેવા નહિ જાય. હવે એ ગામમાં પોસ્ટ ઓફીસ પણ નથી એટલે હું તમને વિનંતી કરું છું કે ભલે થોડા પૈસા વધારે લઇ લો પણ મારા બા ત્યાં ગામડે એકલા રહે છે એટલે ભગવાનને ખાતર મારું આટલું કામ કરી દો ને તો આભાર તો એમણે આ નંબર જોડી આપ્યો ને કહ્યું કે તમે ડીલેવરી ઓફિસે વાત કરી લો એ લોકો તમારું પાર્સલ દઈ આવે એમ હોય તો અમે લઇ લઈએ”

જવાબમાં સંકેતે કીધું કે ઓફીસના મેનેજરને ફોન આપો. અને સંકેતે વાત કરી કે હું ડીલીવરી બોય સંકેત પટેલ બોલું છું અને એ પાર્સલ હું મારી રીતે રવિવારે સ્પેશ્યલ એના ગામે દઈ આવીશ તમે કોઈ પણ વધારા ના ચાર્જ વગર તે પાર્સલ એક્સેપ્ટ કરી લો. અજયે આ વાત સાંભળીને આભાર માન્યો. ત્યાં સુધીમાં ગુપ્તા મસાલો ચાવીને આવી ગયો હતો અને સંકેતે નીકળતાં નીકળતાં કહ્યું.

“મુંબઈની ભાયખલાની ઓફિસેથી ફોન હતો, ભગુડી ગામનું એક પાર્સલ આવશે મેં તે જવાબદારી લીધી છે એટલે એ લોકોએ પાર્સલ લઇ લીધું છે.”

“ભગુડી જોયું છે ક્યારેય?? વિસ કિલોમીટર થાય અને ત્યાં એક પાર્સલ દેવામાં અડધો ટંક જતો રહે, એક તો અહી કામમાંથી ઊંચા ના આવતાં હોઈ ને તું આવાને આવા સલાડ કરે છો” મેનેજર ગુપ્તાએ સંકેતને હળવી રીતે ખખડાવ્યો.

“પણ રવિવારે રજાના દિવસે હું એ પાર્સલ દઈ આવીશ. ઓફિસને જરાય તકલીફ નહિ પડે સાહેબ! પછી કાઈ વાંધો તો નથીને” સંકેત બોલ્યો. વળી પાછો મેનેજર બોલ્યો. મેનેજર લગભગ ઝટ દઈને કોઈનો પીછો ના છોડે એવી પ્રજાતિના જ હોય છે.

“તે ભગુડી કોઈ તમારા સગા સબંધી રહે છે? કોઈ ખાસ ઓળખીતું છે?? આવી સ્પેશ્યલ સેવા માટેનું કોઈ કારણ તો હશેજ ને”??

“બધી જ બાબતમાં કારણ તો રાજકારણી જ શોધી શકે છે સાહેબ!! આ દુનિયામાં કારણ વગરનાં પણ ઘણાં બધાં કામો કરવાની પણ એક મજા હોય છે” ઓફીસના પગથીયા ઉતરતો ઉતરતો સંકેત પટેલ બોલતો ગયો.. જવાબમાં ગુપ્તા બોલ્યો જે સંકેતે લગભગ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય.

“ભલે ને કુરિયર બોય તરીકે નોકરી કરે છે પણ અંતે ભણતર તો માસ્તરનું જ ભણેલો ને એટલે જ આવા નકામાં સુતળા હાથે કરીને ઉપાડ્યા કરે. આમને આમ જ પાછળ રહી ગયાં છે આ લોકો બાકી દુનિયા તો ઉપકાર કર્યા જેવી જ નથી તમે જેટલી પ્રેમથી દુનિયાને રાખો એટલી જ આ દુનિયા તમારી કસ મારતી હોય છે! આ તો સહુ સહુની વિચારસરણી હોય છે, આપણે શું જેને જે કરવું હોય એ કરે. ગુપ્તા દુનિયાથી દાઝેલો માણસ હતો એટલે એની બળતરા સ્વાભાવિક હતી. ગુપ્તાનો સ્વભાવ સાવ ચીડિયો થઈ ગયો હતો. ત્રણ વરસ પહેલાં ગુપ્તા આવો નહોતો. ખુબ જ સારા સ્વભાવનો હતો. ત્રણ વરસ પહેલા એ પોતાની પત્ની સાથે મદ્રાસ જતો હતો અને ઇરોડ રેલવે સ્ટેશન પરથી પોતાની પત્ની એના કોઈ જુના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને ત્યારથી ગુપ્તા સાવ ભાંગી ગયો હતો. અને સ્વભાવ સાવ બદલાઈ ગયો હતો.

સંકેત પટેલ!! કંટાળી જવાય એટલું ભણ્યો હતો! બી એડ પછી એમ એડ પણ કરી નાંખ્યું હતું એમ એ એમ એડ સંસ્કૃત ગુજરાતી સાથે પણ દર વખતે ભરતીમાં થોડા માટે રહી જતો.. આમ તો સંસ્કૃત દેવ ભાષા ગણાય!! કમ્પ્યુટર માટે સંસ્કૃત શ્રેષ્ઠ ભાષા છે પણ સંસ્કૃતમાં કરેલું બી એડ માં નોકરી મેળવવી એ ખાંડાના ખેલ હતાં. ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક માં જગ્યા જ સાવ ઓછી અને ઉચ્ચતર પ્રાથમિકમાં અંગ્રેજી વાળા ટેટ માં સારા ગુણ લાવતા અને પરિણામે દર ભરતીમાં સંકેત ને થોડા ગુણ નું છેટું રહી જતું. આમ તો સ્થાનિક છોકરો હતો અને થોડી ઘણી જમીન હતી એટલે વાંધો નહોતો તેમ છતાં તેણે આ સહયોગ કુરિયર એન્ડ પ્રાઈવેટ માં કુરિયર બોયની નોકરી શોધી લીધી હતી સવારના આઠ થી સાંજના આઠ સુધીની નોકરી અને મહીને બાર હજારનો પગાર એટલે સંકેતને હવે થોડો સંતોષ હતો. વળી આ તાલુકામથકની એક એક ગલીથી એ પરિચિત હતો. એક એક વ્યક્તિને એ ઓળખતો હતો કારણકે સંકેતનો જન્મ જ અહિયાં થયો હતો. બહુ થોડા સમયમાં જ એણે પોતાના કામમાં કુશળતા પ્રાપ્ત કરી લીધી હતી. અને આમ તો આ તાલુકા પ્લેસ હતું અને ઠીક ઠીક મોટું હતું એટલે બીજી ત્રણેક કુરિયરની ઓફિસો હતી. પણ સહુથી વધુ વ્યવહાર તો હવે આ ઓફિસમાં થતો હતો અન એનું કારણ સંકેત પટેલ હતો.

સંકેત પટેલની ડીલેવરી બાબતની એક પણ ફરિયાદ ક્યારેય આવી નહોતી ઉપરાંત જ્યારે એ ડીલીવરી દેવા જાય ત્યારે અમુક કસ્ટમરના પાર્સલ એ લેતો પણ આવતો. લોકોને ઓફીસ સુધી ધક્કો નહોતો ખાવો પડતો. કોઈનું ઘર બંધ હોય દિવસે તો એ રાતે પણ પાર્સલ ડીલીવર કરી આવતો.

“નથુ રણછોડ મુ, ભગુડી ચોરા પાસે” આ પાર્સલ તેણે અલગથી એક કબાટમાં મૂકી દીધું. આજે તો શનિવાર હતો, આવતીકાલે રવિવારે તે આ પાર્સલ લઈને ભગુડી જવાનો હતો. સંકેત પટેલ પાર્સલની ડીલીવરી દેવા જતો રહ્યો, બપોર સુધીમાં એ લગભગ અડધી ડીલેવરી નું કામ પતાવી દીધું અને આ સમય દરમ્યાન એણે ભગુડી ક્યાંથી જવાય એની માહિતી લોકો પાસેથી મેળવી લીધી હતી, ભગુડી સુધીનો કોઈ પાકો રસ્તો નહોતો, એક કાચો રસ્તો હતો જે કોઈ જગ્યાએ નદીના નહેરાની રેતીમાં થી પસાર થતો હતો અને કોઈ જગ્યાએ ડુંગરની ધારેને ધારે ઉંચો કાંઠાળો અને પથરાળો રસ્તો હતો. શનિવારની સાંજે ઓફિસેથી સંકેતે પેલું પાર્સલ લઇ લીધું.

રવિવારે આઠ વાગ્યે સંકેત પેલું પાર્સલ લઈને ભગુડી ગામ જવા તૈયાર થયો. રસ્તો એકદમ રફ અને સાવ અંતરિયાળ હતો. ધીમે ધીમે બાઈક હાંકીને એ એક ડુંગરની તળેટીમાં પહોંચ્યો અને ત્યાં છુટા છવાયા કાચા પાકા મકાનો અને ઝુંપડા જોયા અને તરત જ એણે ચોરો ગોતી લીધો અને નથુ રણછોડનું ઘર પર. ચાર પાંચ વાર સાંકળ ખખડાવી પછી એક ડોશીમાં એ ખડકી ખોલી સાઈંઠની આજુબાજુ એ પહોંચેલ માડી લાલ રંગનો જીર્ણ થઇ ગયેલ સાડલો પહેરેલ હતાં, અનુભવની કરચલીઓ ચહેરા પર સાફ દેખાતી હતી. જીવન સામે જેમ ઝઝુમતા હોય એમ ડોશીએ નેજવું કરીને ઝીણી આંખે પૂછ્યું.

‘કોનું કામ છે ભાઈ તમારે? મેં ઓળખ્યા નહિ તમને ?”

“પાર્સલ વાળો છું. તમારા દીકરા અજયે મુંબઈ થી પાર્સલ મોકલાવ્યું છે” સંકેત બોલ્યો અને વાંકો વળીને ખડકીની અંદર પ્રવેશ્યો.

“આવ્ય દીકરા અંદર આવ્ય,” અજય નું નામ પડતાં જ ડોશીની આંખોમાં એક ચમક આવી ગઈ. ડોશીએ એક ખાટલો ઢાળ્યો અને એક જૂની ધડકી પાથરી દીધી અને પાણીનો એક કળશ્યો ભરી આવ્યા.

“અરે પાથરવાની જરૂર નથી માજી હું તો એમને એમ બેસી જઈશ.” સંકેતે વિવેક કર્યો.

“અરે રે દીકરા તું તો મેમાન કહેવાય. મેમાન અમારે ઘરે કયાંથી પેલા તો આ ઘર મેમાન થી ઉભરાતું પણ અજય ના બાપા પાછા થયાં પછી કોઈ આવતું જતું નથી” ડોશી નીચે બેસી ગયાં. અજયે પાર્સલ ખોલ્યું અંદરથી બે સાડલા નીકળ્યાં અને એક ગરમ શાલ અને બે હજાર રૂપિયા નીકળ્યા એ ડોશીમાં ને આપીને સંકેતે માજીનો અંગુઠો લઇ લીધો. સંકેતે અંદરથી નીકળેલ પત્ર વાંચી સંભળાવ્યો. ડોશીની ચહેરા પર સ્મિતની રેખાઓ ફરી વળી.

“માજી તમારે આ એક જ દીકરો છે?” સંકેતને આ કુટુંબ વિષે જાણવાની ઈચ્છા થઇ આવી. “હા હવે એક જ છે આ બટા!! આમ તો આ ભર્યું ભાદર્યું ઘર હતું.. આખા ભગુડીમાં અજય ના બાપનું એક નામ હતું . અજય થી બે મોટા દીકરા હતાં. બેય પરણી ગયાં હતાં અને કમાવવા માટે ભુજમાં ગયાં હતાં. સહુ સારા વાના હતાં અને ધરતીકંપ આવ્યો. અને એમાં મારા બેય દીકરા એના દીકરા ને વહુ ધરતીમાં સમાઈ ગયાં. અજય એ વખતે અમદાવાદ ભણતો હતો. મારો અજય બહું જ સોજો હતો. ભણવામાં ખુબ જ હોંશિયાર હતો. પણ આ બધું બની ગયું. મારા ભાઈઓ મુંબઈ થી આવી ગયાં. ધરતીકંપમાં મારા બેય દીકરા હોમાઈ ગયાં સરકારે પૈસા આપ્યાં એ મારા ભાઈઓ લઇ ગયાં મુંબઈ અને સાથોસાથ અજયને પણ લઇ ગયાં અને કીધું કે ધંધે ચડાવી દઈશું અને તમને તેડી જઈશું. અજયના બાપા તો મગજ ગુમાવી બેઠા હતાં. બે વરહ પેલા એ અવસાન પામ્યા ત્યારે અજય અને એના મામા આવ્યા હતાં, અજય કોઈ ફેકટરીમાં કામ કરતો હતો. ઘરની ફેકટરી કરવા માટે પૈસા જોઈએ છે એમ મારા ભાઈએ કીધું અને અને અમારી પચાસ વિઘા જમીન વેચીને પૈસા લઈને મુંબઈ ગયાં. અને મહીને બે મહીને અજય મારા જોગ પૈસા અને વસ્તુ મોકલી આપે છે. મારે વધુ તો શું જોઈએ ??હવે એક અજય એક પરણી જાય એટલે ગંગ નાહ્યા.” ટૂંકમાં ડોશીએ પોતાની આખી જીવનકથા કહી દીધી. સંકેત ઉભો થયો ડોશીએ ઘણો આગ્રહ કર્યો કે જમીને જા . પણ સંકેતે કીધું કે આવતાં મહીને આવીશ ત્યારે જમીશ. ડોશીએ પરાણે એક થેલીમાં વાલોળ અને તુરીયા ,ગલકા વગેરે આપ્યા.

ગામડાં ગામનાં લોકો બધું જ ગીરવે મૂકી દે પણ પોતાની પરંપરાગત ખાનદાની ક્યારેય ગીરવે નથી મુકતા. અજય એ ઘરેથી નીકળી અને એક દુકાન આગળ રોકાયો. “જીવી ડોશીને ત્યાં આવ્યાં હતાં?? તાલુકેથી આવો છો?? ડોશીને પૈસા દેવા આવ્યા હશો નહિ!! એક સમયે નથુ આતા અને જીવી ડોશીનો જમાનો હતો. પણ હવે બધું જ ભાંગી ગયું. બે મોટા દીકરા તો ધરતીકંપમાં વહ્યા ગયાં. એક નાનો વધ્યો તો એને પણ એના મામા બઠાવી ગયાં. આંબા આંબલી બતાવીને મુંબઈ માં. જમીન વેચીને એના મામાએ મુંબઈમાં ફેકટરી અને બંગલા બનાવી દીધા છે. અને અજય ને રખડતો મૂકી દીધો છે મુંબઈમાં!! જીવી ડોશીને એના ભાઈનું બહુ લાગી આવે એટલે ગામમાં સહુને ખબર છે કે મામા એ ભાણાનું બરાબરનું કરી નાંખ્યું છે પણ કહે કોણ?? રામ રામ આવા મામા હોય ત્યાં ભાણીયા ભૂખ ભેળા જ થાય ને. ધરતીકંપની સહાય આવી હતી એય એના મામા બઠાવી ગયેલાં. અજયનો પણ ઘડો લાડવો કરી જ નાંખશે.

છોકરો સમજુ અને હોંશિયાર છે એટલે બધું મભમમાં રાખે છે અને પોતાના મામાની સાચી હકીકત કહેતો નથી એને બિચારાને એમ કે બા એ ઘણાં દુઃખ વેઠ્યા છે ઉપરા ઉપર એટલે વધારે દુઃખી ક્યાં કરવા” દુકાનવાળા એ થોડી અલગ જ વાત કરી. અને સંકેત વિચારમાં પડી ગયો કે માણસો પણ કેવા કેવા પ્રકારના હોય છે. પોતાની સગી બહેનનું ધન પણ ખાઈ જાય!!

બે દિવસ પછી અજયનો ફોન આવ્યો ઓફિસે. સાંજના સાતેક વાગ્યા હશેને ઓફિસે સંકેત એકલો જ હતો. ગુપ્તા તો રોજ પાંચ વાગ્યે જતો રહેતો. અજયે આભાર માન્યો અને સંકેતે બધી જ વાત કરી અને તેમની માતાની તબિયત સારી છે એવું કહ્યું. છેલ્લે સંકેત બોલ્યો “અજયભાઈ તમારી ફેકટરી કેમ ચાલે છે? તમારા બા કહેતા હતાં કે અજય ની ફેકટરી બરાબર ચાલે ને પછી મારે એને પરણાવવો છે અને દીકરા ભેગું મુંબઈ રહેવું છે!! તમારા બા તો એમ પણ કહેતા હતાં કે અજયને તો વિદેશ પણ જાવું છે અને એને પણ વિદેશ લઇ જાશે” ઘડીક તો સામેથી કશો અવાજ ના આવ્યો પછી એક અવાજ સંભળાયો.એક લાચારી ભર્યો અવાજ.

“બા ને કહેજો કે ફેકટરી સારી ચાલે છે અને હજુ બરાબર રાગે પડતાં બે કે ત્રણ વરસ વહ્યા જાશે. બાકી એને કહેજો કે દર મહીને હું પૈસા મોકલાવતો રહીશ. એને જે જરૂર હોય એ મંગાવી લે” અજયની વાત કાપીને વચ્ચે જ સંકેત બોલ્યો “અને તમારા મામા પણ મજામાં જ હશેને તમારી બા તમારા મામાના ખુબ જ વખાણ કરતાં હતાં” અને સામે ખામોશી છવાઈ ગઈ એટલે સંકેત બોલ્યો” અજય ભાઈ ગામમાંથી મને સમાચાર મળ્યાં જ છે પણ હું તમારી પાસે હકીકત જાણવા માંગુ છું અને હું તમને વચન આપું છું કે હું તમારા બા ને આના વિષે કશું જ નહિ કહું. અને જવાબમાં સંકેતે જે સાંભળ્યું એનાંથી એના રૂંવાડા ખડા થઇ ગયાં. અજયે સંકેતને બધી જ વાત કરી.

અજય નથુ રણછોડનો ત્રીજા નંબરનો દીકરો.ભણવામાં ખુબ તેજસ્વી, બાર સાયન્સમાં ૯૨ ટકા ગુણ સાથે એ પાસ થયો અને એલ ડી એન્જીનીયરીન્ગની મીકેનીકલ બ્રાન્ચમાં એ ભણતો હતો અને અને એના ભાઈઓ ધરતીકંપમાં અવસાન પામ્યા અને એના પિતાની હાલત સારી ના રહી. એણે મગજ પરનો કાબુ ગુમાવી દીધો. અભ્યાસ અધુરો મુકીને એણે વરસ દિવસ એના પિતાની સેવા ચાકરી કરી. પછી એના બેય મામા મુંબઈ થી આવ્યા અને એ વખતે બરાબર સહાય પણ આવી હતી. ધરતીકંપમાં જે લોકો મૃત્યુ પામ્યાં હતાં એની સહાય!! વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા. બેય મોટા ભાઈ અને એની પત્નીઓના કૂલ મળીને ૨૦ લાખ રૂપિયા આવ્યા હતાં. અજય ને અને બધાં પૈસા લઈને એના મામા મુંબઈ આવ્યા. એના મામા ને નાનું એવું કારખાનું હતું. વિસ લાખમાંથી એના મામાએ એક બંગલો લીધો લોન પર અને અજયને એના કારખાનામાં મેનેજર તરીકે કામે લગાડી દીધો. થોડા વરસ પછી અજયના પિતાનું અવસાન થયું ત્યારે જીવી માં ને એવી લાલચ આપી કે ઘરની ફેકટરી કરવી હોય તો વધારે પૈસા જોઇશે એમ કહીને પચાસ વિઘા જમીન વેચી નાખી અને એના પૈસા લઈને બેય મામાએ જમીન લઇ લીધી મુંબઈમાં!! અને પછી બે મહિના પછી મોટી મામીએ અજય ઉપર આક્ષેપ કર્યો કે અજયે એની આબરૂ પર હાથ નાંખ્યો છે. અજય પર ફરિયાદ થઇ. રાબેતા મુજબ જ પોલીસને પૈસા આપીને ફોડી નાંખી. અજયને પંદર દિવસ લોક અપમા રાખીને છોડી મુક્યો અને સાવ છૂટો કરી દીધો ફેકટરીમાંથી!! અજય ઘરે આવીને કોઈ વાત પણ કરી શકે એમ નહોતો. છેવટે હારી થાકીને એ ભાયખલાના એક ગુજરાતીની દુકાને સવારથી સાંજ સુધી બેસે છે અને મહીને ૧૬ હજાર જેવી રકમ મળે છે એમાંથી એ થોડા પૈસા અને વસ્તુ ઘરે મોકલે છે. અને બાકીના પોતાના ખર્ચ પેટે રાખે છે.આખી વાત કરીને અજય ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અને સંકેતને કીધું.

“સંકેતભાઈ મારી બા ને જો આ વાતની ખબર પડશેને તો એ આઘાત સહન નહિ કરી શકે,બસ મારી બા જીવે છે ત્યાં સુધી જીવવું છેએ ગયાં પછી મને જીવવામાં કોઈ જ રસ નથી. મારા ભાઈઓના પૈસા અને મારી જમીનના પૈસે મારા મામા મોજું કરે છે.. હશે જેવા મારા નસીબ બીજું શું?? અને સંકેતે પૂરો ભરોસો આપ્યો.

અને પછી અવારનવાર અજય સાથે વાતો થવા લાગી. સંકેત દર મહિનાના પહેલા રવિવારે મુંબઈ થી આવેલા પૈસા જીવી માં ને દઈ આવે અને બપોરે ત્યાં જમી લે. જીવી માં સાથે એ ઘણી બધી વાતો કરે.. અજયની ફેકટરી ખુબ સારી ચાલે છે અને બહુ જ ટૂંક સમયમાં જ એ તમને ત્યાં બોલાવી લેશે. અને મને પણ એ એની ફેકટરીમાં રાખી લેશે એટલે તમારી ભેગો હું પણ આવીશ!! આવી વાતો સાંભળીને જીવીમાં કહેતા કે મારો દીકરો અજય ડાયો અને દયાળુ છે એ તો સારું થાજો મારા ભાઈઓનું કે એણે એને બરાબરનો લાઈને ચડાવી દીધો. બસ પછી તો દર મહીને નિત્ય ક્રમ બની ગયો.

સમય પસાર થતો ગયો. આ વાત ને દોઢ વરસ વીતી ગયું છે. નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે. એક વીમા કંપનીની ગાડી સવારમાં જ તાલુકા મથકે ઉતરી અને ભગુડી જવાનો માર્ગ પૂછવા લાગી. લોકોએ માર્ગ બતાવ્યો અને ગાડી ભગુડી તરફ ચાલી.ગામમાં આવેલી એક માત્ર દુકાને વાત થઇ.ગામના સરપંચ સાથે વાત થઇ. જીવી માં ને એ લોકો મળ્યા અને કહ્યું કે અજયના ભાઈ બંધો છીએ અને તમને મળવા આવ્યા છીએ. સાંજે જીપ તાલુકા મથકે પાછી આવી અને બીજા દિવસે સવારે સહયોગ કુરિયર એન્ડ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના જનરલ મેનેજર અમદાવાદથી ઓચિંતા આવ્યા.

બધાં જ કર્મચારી સવારમાં જ આવી ગયાં હતાં. જનરલ મેનેજરે ગુપ્તાને કીધું કે સંકેત પટેલ ને બોલાવો ને મારે તેમની સાથે અગત્યની વાત કરવી છે અને હા ત્યાં સુધી અંદર કોઈને ના આવવા દેતાં.

સંકેત અંદર ગયો. ત્યાં મેનેજર ઉપરાંત બીજા ત્રણ જણા બેઠા હતાં. સંકેતને ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું. અને પછી જનરલ મેનેજરે કહ્યું કે

“આ લોકો વીમા કંપની તરફથી આવે છે અને તમને થોડા સવાલો કરવા માંગે છે એ લોકો થોડીક મૂંઝવણમાં છે આશા છે કે આપ સહકાર આપશો”

“જી સાહેબ” સંકેત બોલ્યો.

“તમારું નામ સંકેત પટેલ , તમે સહયોગ કુરિયરમાં ડીલેવરી બોય તરીકે ફરજ બજાવો છો રાઈટ?

“જી સાહેબ “

“તમે છેલ્લાં ઘણાં સમયથી અજયનું પાર્સલ અને પૈસા લઈને ભગુડા એમની માતાજી પાસે જાવ છો ખરુંને”??

“હા , સાહેબ લગભગ દોઢેક વરસથી” સંકેત બોલ્યો.

“અજય સાથે તમારે છેલ્લી વાત ક્યારે થયેલી?” એક ચશ્માંવાળા એ પૂછ્યું.

“લગભગ આઠેક માસ પહેલાં વાત થઇ હતી” સંકેત બોલ્યો.

“છેલ્લે તમે અજયની મમ્મી એટલે કે જીવી બહેન ને ક્યારે પાર્સલ અને પૈસા દેવા ગયાં હતાં?

“જી ચાર દિવસ પહેલા” સંકેત બોલ્યો. “ઓકે એ પાર્સલ અને પૈસા કોણે મોકલ્યાં હતાં?? તમારી હેડ ઓફીસ અને આ ઓફીસના ડેટા અમે ચકાસ્યા છે છેલ્લું પાર્સલ આઠ માસ પહેલા અજયે મોકલેલું પછી કોઈ પાર્સલ ભગુડીનું આવ્યું જ નથી. અને અમે કાલે ભગુડીમાં જઈને ચેક કર્યું તો જાણવા મળ્યું કે જીવીમાં નો દીકરો અજય એને દર મહીને પાર્સલ મોકલે છે. હવે અજય તો આ દુનિયામાં છે નહિ. આઠ માસ પહેલા એક રોડ એક્સીડેન્ટમાં મૃત્યુ થયું. એની સાથે જે કાર ભટકાણી હતી એનો માલિક જ એને હોસ્પીટલમાં લઇ ગયો અને ત્યાં જ અજયનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. એ કાર વાળા પાસે થર્ડ પાર્ટી અકસ્માતનો વીમો હતો. એ વીમો પાકી ગયો અને કલેઈમની આઠ લાખની રકમ અમે અજયની વારસદાર એની મમ્મીને આપવા કાલે ભગુડા ગયાં હતાં તો ત્યાં એક દુકાનવાળાએ કીધું કે અજય જીવે છે. અને દર મહીને પૈસા મોકલે છે. જીવીમાં પણ કહેતા હતાં કે એનો દીકરો મુંબઈ છે જોકે અમે એને કોઈ જ વાત કરી નથી. હવે અમને મુંજવણ એ છે કે જો અજય જીવે છે તો મરી ગયો એ કોણ છે””??

જવાબમાં સંકેત બોલ્યો. “આપની વાત સાચી છે. અજય આ દુનિયામાં નથી એ વાત સાચી છે. આઠ માસ પહેલા એનો છેલ્લો ફોન આવ્યો હતો અને પાર્સલ પણ પછી એનું પાર્સલ કે ફોન ના આવતાં મને એમ કે એને કોઈ કામ આવી ગયું હશે એટલે હું મારું ઘરનું બનાવેલું પાર્સલ અને મારા ઘરનાં પૈસા આપવા બે મહિના ગયો. પછી મેં ભાયખલા ફોન કર્યો અને સાચી હકીકત જાણી પરંતુ એની માતાને આઘાત ના લાગે એ માટે હું દર મહીને બે હજાર લઈને ભગુડી ગામ જાવ છું. અજયની સાચી ખોટી વાત કરીને એની માતાનું મન રાજી રાખું છું અને આમાં મને આનંદ મળે છે.” સહુ વિસ્મયતાથી જોઈ રહ્યા. અને પછી સંકેતે અજયના કુટુંબની આખી હિસ્ટ્રી કહી દીધી, એના નાલાયક મામાના પરાક્રમો પણ કીધા સહુની આંખમાં આંસુ હતાં. છેલ્લે સંકેત બોલ્યો.

“હવે આ વિમાની રકમ જીવી માં ને આપવી પડશે. પણ હું કહું એમ કરજો. એમને કોઈ વાત નથી કરવાની, હું બધું સંભાળી લઈશ. ગામ તો આખું ડાહ્યું છે એ બધું જાણતું હોવા છતાં જીવીમાં ને કશી હકીકત નથી કહેતા. સહયોગ કુરિયર ના જનરલ મેનેજરે સંકેતની પીઠ થાબડી અને અભિનદન આપ્યા. અને બપોર પછી સહુ ભગુડી ઉપડ્યા. ગામમાં જઈ ને સરપંચ અને પેલા દુકાનવાળાને સાથે રાખ્યા; જીવી માં પાસે જઈને સંકેત બોલ્યો.

“માજી તમારો અજય વિદેશ જાય છે એટલે તમારે એના વાલી તરીકે સહી કરવી પડશે અને તમને આ પૈસા મોકલાવ્યા છે. માડી એને બધું અચાનક જ ગોઠવાઈ ગયું એટલે આ બધું એને કુરિયરમાં ના મોકલાવતા એના ભાઈ બંધોને રૂબરૂ મોક્લ્યા છે, જતાં જતાં અજયે ઘણાં પૈસા મોકલ્યા છે અને કીધું છે કે મારી બા માટે એક સારું મકાન બનાવી દેજો અને હું વિદેશમાંથી પાછો આવીશને ત્યારે એને લેતો જઈશ.” બધાની આંખમાં આંસુ નીકળવાની તૈયારીમાં હતાં. અને જીવી માએ બધે અંગુઠા માર્યા. સહુ વિખરાયા. બેન્કનું ખાતું ખોલીને રકમ જીવીમાં ના ખાતામાં જમા કરાવી.

જનરલ મેનેજર રોકાયા અને બીજે દિવસે સ્ટાફની રૂબરૂમાં બોલ્યાં.

“આ વખતે હું દિવાળી નું બોનસ રૂબરૂ આપીને જાવ છું. સંકેત પટેલ અહીનો મેનેજર બને છે. અહીના મેનેજરને હું અમદાવાદ લઇ જાવ છું. સંકેતનો પગાર રૂપિયા ૪૦૦૦૦ સુધી કરવામાં આવે છે.અને એટલું જ બોનસ એને આપવામાં આવે છે બીજા બધાને રૂપિયા ૫૦૦૦ બોનસ આપવામાં આવે છે, સંકેતે જે કામ કર્યું એ અદ્ભુત છે, બીજા લોકો આવું કાર્ય કરે છે પણ એ વાહવાહીનું સર્ટીફીકેટ લઈને ફરતા હોય છે. આ યુગમાં દર મહીને ઘરનાં ૨૦૦૦ હજાર રૂપિયા કોઈને એમ ને એમ આપી દેવા એ નાની સુની વાત તો નથી જ !! આ કુરિયર કંપનીને સંકેત પટેલનું ગૌરવ છે ” અને તાળીઓનો ગડગડાટ થયો.

ત્રણ દિવસ પછી સંકેત જીવીમાં ના ઘરે હતો. સાથે મીઠાઈનું બોક્ષ હતું. જીવીમાં માટે નવા કપડાં હતાં.

“માજી વિદેશથી અજયનો ફોન આવ્યો હતો, એને ત્યાં ફાવી ગયું છે, એને સારો પગાર છે ,એણે કીધું કે માર બા ને મીઠાઈ આપી આવજો” કહીને મીઠાઈનું બોક્ષ અને કપડાંની થેલી સંકેતે જીવીમાં ને આપી. જીવીમાં બોલ્યાં.

“એય ને મારો દીકરો વિદેશમાં પણ ખુબ જ સુખી થાય ને મને ઝટ તેડાવી લે એવી ઈચ્છા છે, સાચું કહું દીકરા!! મારો અજય સોજો બહુ , મારો અજય હોંશિયાર પણ ખરો ને સમજુ પણ એટલો જ છે.” જીવીમાં બોલતાં રહ્યા. ખડકી બહાર ઉભેલા ચાર પાંચ લોકોને આ સાંભળીને આંખમાં આંસુ આવી ગયાં . અંદર સંકેત અને જીવીમાં અજયની વાતો કરતાં ગયાં.

સમાજમાં ઘણા લોકો એવા હોય છે એને ત્યાં બધું ખૂટી જાય પણ એની ખાનદાની ક્યારેય નથી ખૂટતી!!

ડિપ્રેશન નો સચોટ ઈલાજ

લગભગ 60 વર્ષના એક સજ્જન વ્યક્તિ ડિપ્રેશનથી ગ્રસ્ત હતા …
તેથી તેમની પત્નીએ એક મનોચિકિત્સક ની એપોઇન્ટમેન્ટ લીધી જે જ્યોતિષવિદ્યા પણ જાણતા હતા.
એમને કહ્યું કે તેમના પતિ ભયંકર હતાશામાં છે,
કુંડળી પણ જુઓ …

અને તેઓએ એમ પણ કહ્યું કે મારા પતિને કારણે મને પણ સારુ લાગતું નથી.

જ્યોતિષે કુંડળી પર ખૂબ ગંભીરતાથી જોયું અને બધું ઠીક લાગ્યું.

હવે તેમણે કાઉન્સલિંગ શરૂ કરી.
તેમણે કેટલીક અંગત બાબતો પણ પૂછી અને સજ્જનની પત્નીને બહાર બેસવાનું કહ્યું.

સજ્જન બોલતા ગયા…
હું ખૂબ પરેશાનછું …
ચિંતાઓથી
દબાઈ ગયો છું…
કામનું દબાણ …
ચિલ્ડ્રન્સ એજ્યુકેશન અને આખા પરિવારનું ટેન્શન …
હોમ લોન …
કાર લોન …
કંઇ મન લાગતું નથી …

દુનિયા મને
તોપ સમજે છે …
પણ મારી પાસે કારતૂસ
જેટલા સંસાધનો
પણ નથી.

હું હતાશામાં છું …
એમ કહીને આખા જીવન ની કિતાબ જ્યોતિષની સામે રાખી..
.
વિદ્વાન મનોચિકિત્સકે કંઈક વિચારીને પછી પૂછ્યું ….
તમે વર્ગ 10 માં કઈ શાળામાં અભ્યાસ કર્યો છે?
.
સજ્જને તેને તેની સ્કૂલનું નામ કહ્યું …
.
કાઉન્સેલરે કહ્યું કે તમારે તે શાળામાં જવું પડશે…
.
અને ત્યાંથી,
તમારે દસમા વર્ગનું જૂનું રજિસ્ટર લાવવું પડશે.

સજ્જન શાળાએ ગયા …
રજિસ્ટર લાવ્યા..

પછી કાઉન્સેલરે કહ્યું કે રજીસ્ટર માંથી તમારા સાથીઓના નામ લખો અને તેમને શોધો અને તેમની હાલની પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરો.
ડાયરીમાં બધી માહિતી લખી અને એક મહિના પછી મળવું
કુલ 4 રજીસ્ટર હતા
જેમાં 200 નામો હતા …
આખા મહિના દરમ્યાન દિવસ રાત પ્રવાસ કર્યો…
નસીબ જોગ તેમના 120 ક્લાસના મિત્રો વિશેની માહિતી એકત્રિત કરવામાં સફળતા મળી.

આશ્ચર્યજનક રીતે તેમાંથી 20% મૃત્યુ પામ્યા હતા.
.
13 છોકરીઓ છૂટાછેડા લીધેલી અથવા અલગ રહેતી હતી.

15% નશો કરેલા હતા જે વાત કરવા જેટલી હાલત માં પણ નહોતા.

20% મિત્રોની ખબર ન મળી કે તેઓ હાલમાં ક્યાં છે.

5% એટલા એટલા બધા ગરીબ નીકળ્યા કે વાતજ ના પૂછો…

5% એટલા સમૃદ્ધ બન્યા હતા કે
જેઓ તેમને
મળવા પણ
માગતા ન હતા.
.
કેટલાક લકવાગ્રસ્ત,
ડાયાબિટીસ,
અસ્થમા અથવા
હૃદયના દર્દીઓ હતા,
3-4% અકસ્માતમાં તેમના હાથ / પગ અથવા
કરોડરજ્જુની ઇજાઓ
સાથે પથારીમાં હતા.

2 થી 3% ના બાળકો પાગલ …
અથવા નકામા નીકળ્યા.

1 જેલમાં હતો …

અને એક 60 વર્ષની ઉંમરે સેટલ થયો તેથી હવે લગ્ન કરવા માંગે છે …

એક હજુ સેટ થયેલ ન હતો..
બે વાર છૂટાછેડા થયા પછી પણ ત્રીજા લગ્ન ની વેતરણમાં હતો….
.
મહિના ભર…
દસમા વર્ગના બધા રજિસ્ટર ભાગ્યની વેદના જાતેજ જણાવી રહ્યા હતા …

કાઉન્સિલરે પૂછ્યું,
હવે મને કહો કે ડિપ્રેશન કેવું છે ?

હવે આ સજ્જન ખૂબ સારી રીતે સમજી ગયા છે કે તેમને કોઈ જ બીમારી નથી …
પોતે ભૂખે તો મરી નથી રહ્યા,
દિમાગ એકદમ સારું છે.,
કોર્ટ-કચેરી-પોલીસ-
વકીલો સાથે કોઈ દિવસ
પનારો પડ્યો નથી ..
પત્ની અને બાળકો ખૂબ સારા છે,
સ્વસ્થ છે,
તેઓ પોતે પણ સ્વસ્થ છે.
ડોકટર કે દવાખાના સાથે પણ પનારો પડ્યો નથી.

પછી તેમને લાગ્યું કે દુનિયામાં ખરેખર ઘણી બધી મુશ્કેલીઓ છે … અને હું ખૂબ જ ખુશ અને ભાગ્યશાળી છું…

વિશ્વાસ કરો …
તમારી પાસે જે છે તેટલુંપણ આ દુનિયામાં ખૂબ ઓછા માણસો ના નસીબમાં હોય છે…..
એટલમાટે ખુશ રહો,
સ્વસ્થ રહો અને હંમેશાં મસ્ત રહો …
ઉપરવાળા ને હંમેશા યાદ કરતા રહો ..
સંતોષથી મોટી કોઈ સંપત્તિ નથી…. !!

ज़िन्दगी गुज़र जाती है, ये ढूँढने में कि ढूंढना क्या है.
अंत में तलाश सिमट जाती है,इस सुकून में कि जो मिला,
वो भी कहाँ साथ लेकर जाना है.

ડોનેશન આ રીતે જ અપાય !

એક વખત એક મહિલા એક સેવાભાવી સંસ્થા પાસે ગઈ. આજીજી કરતાં એણે કહ્યું :
‘મારો પતિ મિલમાં નોકરી કરતો હતો. બારેક મહિના અગાઉ એક વખત મિલમાં એને એક્સિડન્ટ થયો અને એના બંને પગ કપાઈ ગયા… મારે બે દીકરીઓ છે. અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આપ કાંઈક મદદ કરો એવી વિનંતી છે.’
સંસ્થાના સંચાલકે કહ્યું ;
‘બોલ, બહેન ! તને શી મદદ કરીએ ?’
યુવતી ભીના અવાજે બોલી : ‘મારે બીજું કાંઈ નથી જોઈતું… બસ, થોડું કરિયાણું અને અનાજ આપો… એટલું ઘણું છે !’
‘બહેન ! અમે તને મદદ જરૂર કરીશું, પરંતુ તું ઇચ્છે છે એ રીતે નહીં; અમે ઇચ્છીએ છીએ એ રીતે ! તું જીવનભર લાચાર અને ઓશિયાળી બની રહે એ ઠીક નથી… તારે વારંવાર લોકો પાસે મદદ માગીને સ્વમાનહીન જીવન જીવવું પડે એ પણ યોગ્ય નથી…’
મદદ માગવા આવેલી યુવતીને કશું સમજાયું નહીં. એને અગાઉનો એવો ઘણો અનુભવ હતો કે કેટલાક કહેવાતા મોટા માણસો મદદ ન કરવી પડે એટલે માત્ર ઉપદેશ આપતા હોય છે ! છતાં એ લાચાર યુવતી સંચાલકની વાત સાંભળી રહી. સંચાલકે એને કહ્યું,
‘જો, બહેન ! અમારી સંસ્થા તરફથી તને વેફર બનાવવાનાં બે મશીન આપીશું. સાથેસાથે તને થોડા બટાકા પણ અપાવીશું. તારા પતિના પગ કપાઈ ગયા છે, પણ પલંગ પર બેઠાબેઠા કામ કરવાનું એને જરૂર ફાવશે. આજથી હવે તારે અને તારા પતિએ બંનેએ બટાકાની વેફર બનાવવાનું કામ કરીને રોજી મેળવવાનો ઉદ્યમ કરવાનો છે…’
‘જી, આભાર !’ યુવતી બોલી.
સેવાભાવી સંસ્થાના સંચાલકે એ મહિલાને વેફર બનાવવાનાં બે મશીન આપ્યાં, 50 કિલો બટાકા અપાવ્યા અને એમાંથી બનેલી વેફર વેચવા માટે એક નમકીનની દુકાને ભલામણ કરી દીધી.
બધું લઈને એ મહિલા એના ઘરે પાછી ગઈ…
લગભગ છ મહિના પછી એ મહિલા ફરીથી આ સેવાભાવી સંસ્થામાં આવી.
આ વખતે એના ચહેરા પર વિષાદ નહોતો, આનંદ હતો ! આ વખતે એના અવાજમાં વ્યથા નહોતી, આત્મવિશ્વાસ હતો ! એ પોતાની સાથે થેલીમાં વેફર બનાવવાનાં બીજાં દસ મશીન લઈને આવી હતી. એણે સંચાલક સામે એ 10 મશીન મૂક્યાં અને કહ્યું, ‘સાહેબ ! આજ પછી આપની પાસે મારી જેમ કોઈપણ વ્યક્તિ મદદ માગવા માટે આવે, તો એને મારા તરફથી આ મશીન આપજો ! તમે મને લાચાર અને મજબૂર બનવાને બદલે, સ્વમાનથી અને આત્મનિર્ભર બનીને જીવવાનું શીખવાડ્યું છે. હું આપની સંસ્થાને દર વર્ષે વેફર બનાવવાનાં મશીન ભેટ આપતી રહીશ…!’
સેવાભાવી સંસ્થા પાસે મદદ માગવા આવેલી પેલી લાચાર મહિલા, આજે આત્મનિર્ભર બનીને સામેથી ડોનેશન આપવા સુધી પહોંચી ચૂકી હતી !
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે મહિલાઓએ મજબૂર નહીં, મજબૂત બનાવવાનો દિવસ ! પોતાને મળેલી દરેક તકનો ઉપયોગ નજીકના સ્વાર્થ માટે નહીં પરંતુ લાંબા સમયના લાભ માટે કરવાની ત્રેવડ વ્યક્તિને માત્ર સફળતાના જ નહીં, ગૌરવના શિખરે પહોંચાડે છે !
આ પ્રેરક કથા સત્ય ઘટના છે.❤️👍🙏

From – Dr Ankit Patel physiotherapist specialist in shoulder

BIO-Clock

બહાર જવાનું હોય કે કોઈ કામ હોય તો આપણે સવારે ૪.૦૦ વાગ્યે ઘડિયાળના એલાર્મ સાથે સૂઈ જઈએ છીએ.

પરંતુ કેટલીક વાર આપણે એલાર્મ પહેલાં જાગી જઈએ છીએ. આ બાયો-ક્લોક છે.*

ઘણા લોકો માને છે કે તેઓ 80 – 90* ની ઉંમરે ઉપર જશે

ઘણા લોકો 50-60 વર્ષની ઉંમરે બધા રોગો તેમને ઘેરી લેશે તેવું માનીને પોતાના મનમાં પોતાની બાયો-ક્લોક સેટ કરી દે છે.

એટલે જ સામાન્ય રીતે ૫૦-૬૦ વર્ષની ઉંમરે લોકો રોગોથી ઘેરાયેલા રહે છે અને ઝડપથી ભગવાનને પ્રિય બની જાય છે.

હકીકતમાં, આપણે અજાણતાં જ આપણી ખોટી બાયો-ક્લોક સેટ કરીએ છીએ.

ચીનમાં લોકો 100 વર્ષ સુધી આરામથી રહે છે. તેમની બાયો-ક્લોક એ જ રીતે સેટ કરવામાં આવી છે*.

તો મિત્રો,

આપણે આપણી બાયો-ક્લોકને એવી રીતે સેટ કરવી જોઈએ કે આપણે ઓછામાં ઓછા 100 વર્ષ જીવી શકીએ.*

યાદ રાખો કે ઉંમર એ માત્ર એક સંખ્યા છે, પરંતુ “વૃદ્ધાવસ્થા” એ માનસિકતા છે. કેટલાક લોકો 75 વર્ષની ઉંમરે યુવાન લાગે છે, તો કેટલાક લોકો 50 વર્ષની ઉંમરે પણ વૃદ્ધ અનુભવે છે.

આપણે એવી માન્યતા રાખવી પડશે કે ૪૦ થી ૬૦ વર્ષની ઉંમરે આપણે એ બધા રોગોથી દૂર થઈ જઈશું જે અગાઉ પણ થઈ ચૂક્યું છે, જેથી આપણી બાયો-ક્લોક પણ એ જ રીતે સેટ થઈ જાય અને કોઈ રોગ થવાની શક્યતા ન રહે.*

૩. જુવાન દેખાઓ. તમારા વેશભૂષાને રાખો, અને જુવાન દેખાઓ, વૃદ્ધત્વના દેખાવને મંજૂરી આપશો નહીં.*

૪. સક્રિય રહો. ચાલવાને બદલે જોગિંગ કરવું.*

  1. એ વાતનું ધ્યાન રાખો કે ઉંમર વધવાની સાથે સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. (આ વાત સાચી છે*).

6. આપણી માનસિકતા જ દરેક વસ્તુનું કારણ છે.

ક્યારેય પણ, ક્યારેય બાયો-ક્લોકને તમારો અંત સેટ કરવાની મંજૂરી આપશો નહીં….

બાયો-ક્લોકને ક્યારેય તમારું સૌથી ઝડપી સ્વર્ગ ન બનવા દો*

મહાભારત માથી……

મહાભારતના યુદ્ધ પછી શ્રીકૃષ્ણએ દ્રૌપદીને જે સમજાવ્યું તે આપણે દરેકે સમજવાની જરૂર છે, જાણો દુઃખનું કારણ,

18 દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમરને 80 વર્ષ જેવી કરી દીધી હતી… શારીરિક રૂપથી પણ અને માનસિક રૂપથી પણ.

નગરમાં દરેક જગ્યાએ વિધવાઓ જ હતી. પુરુષો માત્ર થોડા જ વધ્યા હતા.

અનાથ બાળકો આજુબાજુ ફરતા દેખાઈ રહ્યા હતા અને તે બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં અચેત થઈને બેઠી હતી અને શૂન્યતા તરફ જોઈ રહી.

એટલામાં જ શ્રીકૃષ્ણ ઓરડામાં પ્રવેશે છે. દ્રૌપદી શ્રીકૃષ્ણને જુએ છે અને દોડીને તેમને ભેટી પડે છે. શ્રીકૃષ્ણ તેના માથા પર હાથ મુકે છે અને તેને રડવા દે છે.

થોડી વાર પછી, તે તેણીને પોતાનાથી અલગ કરે છે અને તેને બાજુના પલંગ પર બેસાડે છે.

દ્રૌપદી : આ શું થઈ ગયું સખા? આવું તો મેં વિચાર્યું નહોતું.

શ્રીકૃષ્ણ : નિયતિ બહુ ક્રૂર હોય છે પાંચાલી… તે આપણા વિચારો પ્રમાણે ચાલતી નથી. તે આપણા કર્મોને પરિણામોમાં રૂપાંતરિત કરે છે.

તું વેર લેવા માંગતી હતી અને તું સફળ થઈ, દ્રૌપદી! તારું વેર પૂરું થયું… માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં, બધા કૌરવો સમાપ્ત થઈ ગયા, તારે તો ખુશ થવું જોઈએ!

દ્રૌપદી : સખા, તમે મારા ઘા સાજા કરવા આવ્યા છોકે તેના પર મીઠું છાંટવા?

શ્રીકૃષ્ણ : ના, દ્રૌપદી. હું તને વાસ્તવિકતાથી વાકેફ કરવા આવ્યો છું. આપણે આપણાં કર્મોનું પરિણામ દૂર સુધી જોઈ શકતા નથી અને જ્યારે તે આપણી સામે હોય છે… તો આપણા હાથમાં કશું રહેતું નથી.

દ્રૌપદી : તો શું, આ યુદ્ધ માટે હું જ સંપૂર્ણપણે જવાબદાર છું શ્રીકૃષ્ણ?

શ્રીકૃષ્ણ : ના, દ્રૌપદી તું પોતાને એટલી મહત્વપૂર્ણ ના સમજ.

પરંતુ, જો તું તારા કર્મોમાં થોડી દૂરદર્શિતા રાખતી, તો તને આટલું કષ્ટ ન મળ્યું હોત.

દ્રૌપદી : હું શું કરી શકતી હતી શ્રીકૃષ્ણ?

શ્રીકૃષ્ણ : તું ઘણું બધું કરી શકતી હતી. જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તેં કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને સ્પર્ધામાં ભાગ લેવાની તક ન આપી હોત. તો, કદાચ આજે પરિણામ કંઈક અલગ હોત!

એ પછી જ્યારે કુંતીએ તને પાંચ પતિઓની પત્ની બનવાનો આદેશ આપ્યો, ત્યારે તેં તેનો સ્વીકાર કર્યો ન હતો, તો પણ પરિણામ કંઈક અલગ હોત.
અને તે પછી તેં પોતાના મહેલમાં દુર્યોધનનું અપમાન કર્યું… કે આંધળાના પુત્ર આંધળા હોય છે. જો આવું ન કહ્યું હોત, તો તારું
ચીર હરણ ન થયું હોત. તો પણ કદાચ, સંજોગો અલગ હોત.
“આપણા શબ્દો જ પણ આપણાં કર્મ હોય છે” દ્રૌપદી.

અને, આપણે બોલતા પહેલા આપણા દરેક શબ્દને તોલવા ખૂબ જ જરૂરી હોય છે, નહીં તો તેના ખરાબ પરિણામો માત્ર આપણને જ નહીં, પરંતુ આપણી આસપાસના આખા વાતાવરણને દુ:ખી કરે છે.

દુનિયામાં મનુષ્ય જ એક માત્ર એવું પ્રાણી છે કે જેનું “ઝે-ર” તેના “દાંત” માં નથી “શબ્દો” માં હોય છે. તેથી સમજદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરો. કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે તેવા શબ્દનો ઉપયોગ કરો. કારણ કે મહાભારત આપણી અંદર જ છુપાયેલું છે.

એકસદર_બોધકથા

એક જંગલમાં સિંહ સિંહણ પોતાના બચ્ચાને એકલા છોડીને શિકાર માટે દૂર નીકળી ગયા જ્યારે તે લાંબા સમય સુધી પરત ન ફર્યો તો બચ્ચા ભૂખથી રડવા લાગ્યા.
એ વખતે એક બકરી ત્યાં ઘાસ ચરતી હતી સિંહના બચ્ચાને ભૂખથી પીડાતા જોઈને તેને દયા આવી અને તેણે બચ્ચાઓને પોતાનું દૂધ પીવડાવ્યું પછી બચ્ચા ફરીથી રમવા લાગ્યા.
પછી સિંહ સિંહણ આવ્યા સિંહ બકરી પર હુમલો કરવા જતો હતો એ વખતે બચ્ચાં એ કહ્યું કે બકરી એ અમને દૂધ પીવડાવીને ઉપકાર કર્યો છે નહીં તો અમે મરી ગયા હોત.
પછી સિંહ ખુશ થયો અને આભારની ભાવના સાથે બોલ્યો અમે તમારો ઉપકાર ક્યારેય ભૂલીશું નહીં જાઓ હવે જંગલમાં મુક્તપણે ફરો અને મજા કરો.
હવે બકરી જંગલમાં નિર્ભયતાથી રહેવા લાગી સિંહની પીઠ પર બેસીને પણ તે ક્યારેક ઝાડના પાંદડા ખાતી હતી.
એક ગરુડે આ દ્રશ્ય જોયું આશ્ચર્યચકિત થઈને બકરીને પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે ઉપકારનુ કેટલું મહત્વ છે.
ગરુડને લાગ્યું કે હું પણ ઉપકાર કરું થોડે દૂર ઉંદરોના બચ્ચા કાદવમાં ફસાયા હતા. તે બહાર નીકળવાની ઘણી કોશિશ કરતા પરંતુ બધા પ્રયત્નો વ્યર્થ જતા હતા.ગરુડ તેમને પકડીને સલામત સ્થળે લઈ ગયો બચ્ચા ભીના હોઇ ઠંડીથી ધ્રૂજી રહ્યા હતા.ગરુડે તેમને તેની પાંખોમાં ઢાંકી દીધા જેથી બચ્ચા ને ઘણી હુફ મળી.થોડા સમય પછી જ્યારે ગરુડ ઉડવા ગયુ ત્યારે તે ઉડી ન શક્યુ કારણ કે ઉંદરોના બચ્ચાઓએ તેની પાંખો ચાવી ખાધી હતી.
જ્યારે ગરુડે બકરીને પૂછ્યું કે તેં પણ ઉપકાર કર્યો અને મેં પણ કર્યો તો પછી તેનું ફળ આપણને અલગ અલગ કેમ મળ્યું?
બકરી હસી પડી અને ગંભીરતાથી બોલી…. સિંહો પર ઉપકાર કરાય ઉંદરો પર નહીં, કારણકે કાયર ક્યારેય ઉપકાર યાદ રાખતા નથી અને બહાદુર ક્યારેય ઉપકાર ભૂલતા નથી.
કહેવાનું તાત્પર્ય એજ છે કે તમારો મત પણ કોઈ સીંહ હોય એને જ આપજો બાકી એવાં ઉંદરડા તો કેટલાંય આવશે લોલીપોપ દેશે ને પછી પાંખો કાપી ને ભાગી જાશે પછી માથે ઓઢીને રોવાનો વારો આવે એના કરતાં પહેલી પસંદ સીંહ ની કરજો.